સ્પોર્ટસ

14મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાનનો ક્રિકેટ-જંગ જોવા તૈયાર થઈ જાઓ…

દુબઈઃ 28મી ડિસેમ્બરે દુબઈમાં ભારતે (India) પાકિસ્તાનને ફાઇનલમાં પછાડીને મેન્સ એશિયા કપ ટી-20 સ્પર્ધાનું ચૅમ્પિયનપદ જીતી લીધું એની ટ્રોફીનો વિવાદ હજી ઉકેલાયો નથી ત્યાં દુબઈના બીજા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. 14મી ડિસેમ્બરનો આ જંગ અન્ડર-19 ક્રિકેટરો વચ્ચેનો હશે.

એશિયા કપનું આયોજન કરતી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ બહાર પાડેલા શેડ્યૂલ મુજબ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં આગામી 12મી ડિસેમ્બરે 19 વર્ષથી ઓછી ઉંમરના પુરુષ ક્રિકેટરો માટેનો વન-ડે એશિયા કપ શરૂ થશે જેમાં કુલ આઠ દેશની ટીમ ભાગ લેશે. ફાઇનલ સહિત તમામ 15 મૅચ દુબઈ (Dubai)માં રમાશે.

ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે અને ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. પાંચ ટીમના નામ નક્કી છે અને બાકીની ત્રણ ટીમ કઈ એ હવે પછી નક્કી થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ 12મી ડિસેમ્બરે ભારત અને ક્વૉલિફાયર-વન વચ્ચે રમાશે. એ જ દિવસે પાકિસ્તાનનો મુકાબલો ક્વૉલિફાયર-થ્રી વચ્ચે થશે. ભારત-પાકિસ્તાનવાળા ગ્રૂપમાં બાકીની બે ટીમ કઈ એ હવે પછી નક્કી થશે. બીજા ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનનો સમાવેશ છે અને ચોથી ટીમ હવે પછી નક્કી થશે.

19 વર્ષથી ઓછી ઉંમરના પ્લેયર્સની સ્ક્વૉડમાંથી ટૅલન્ટેડ ખેલાડીઓને શોધીને ભારતની મુખ્ય ટીમમાં પહોંચાડવા માટે આગામી અન્ડર-19 એશિયા કપ ખૂબ ઉપયોગી બનશે. એક વાત નક્કી છે કે છેલ્લા એક વર્ષમાં મેદાન પર અનેક ધમાકા કરી ચૂકેલો 14 વર્ષનો બિહારનો વૈભવ સૂર્યવંશી ડિસેમ્બરમાં દુબઈમાં પણ ધમાલ મચાવશે જ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button