યુએઇમાં અસહ્ય ગરમી, એશિયા કપની મૅચો હવે…

દુબઈઃ એશિયા કપ (Asia Cup) ટી-20 સ્પર્ધા સપ્ટેમ્બરમાં મૂળ ભારતમાં યોજાવાની હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ આ સ્પર્ધા હવે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં નવમી સપ્ટેમ્બરથી યોજાવાની છે, પરંતુ યુએઇમાં ગરમી અસહ્ય હોવાથી 19માંથી 18 મૅચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 18 મૅચ (18 matches) ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે શરૂ થશે.
આ મૅચો હવે મૂળ સમયપત્રકમાં જાહેર કરવામાં આવેલા સમય કરતાં અડધો કલાક મોડી શરૂ થશે, એવી જાહેરાત યુએઇના એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: એશિયા કપ 2025ના પ્રોમો મુદ્દે વિવાદ સર્જાયો, સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ
સુધારવામાં આવેલા સમયપત્રક મુજબ 9-28 સપ્ટેમ્બર દરમ્યાન 18 મૅચ સ્થાનિક સમય મુજબ સાંજે 6.30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે) શરૂ થશે. અગાઉ આ મૅચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી, પણ હવે અડધો કલાક મોડી શરૂ થશે.
આ ટૂર્નામેન્ટની એકમાત્ર ડે-મૅચ 15મી સપ્ટેમ્બરે યુએઇ અને ઓમાન વચ્ચે રમાવાની છે જેનો અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં સ્થાનિક સમય મુજબ સાંજે 4.00 વાગ્યે આરંભ થશે.
ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઇ સામે રમાશે. આ ગ્રૂપમાં પાકિસ્તાન અને ઓમાન પણ છે. ગ્રૂપ ` બી’માં શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હૉન્ગકૉન્ગ છે.