યુઇફા યુરો-2024ની સેમિ ફાઈનલમાં સ્પેન સામે કોણ રમશે? ઇંગ્લૅન્ડે કોનો મુકાબલો કરવો પડશે?
જાણી લો બન્ને સેમિ ફાઇનલ જંગનો દિવસ અને પ્રસારણનો સમય…

બર્લિન: જર્મનીમાં યુરોપિયન ફૂટબૉલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં શનિવારે બે રસાકસીભરી કવોર્ટર ફાઈનલ મૅચના પરિણામને પગલે સેમિ ફાઇનલની લાઈન-અપ નક્કી થઈ ગઈ હતી.
પ્રથમ સેમિ ફાઈનલ મંગળવાર, 9મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) સ્પેન અને ફ્રાન્સ વચ્ચે તથા બીજી સેમિ ફાઈનલ બુધવાર, 10મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે.
શુક્રવારે પહેલી કવોર્ટર ફાઈનલમાં સ્પેને યજમાન જર્મનીને મેરિનોના 119મી મિનિટના ગોલની મદદથી 2-1થી હરાવીને સેમિમાં એન્ટ્રી કરી લીધી હતી.
એ જ દિવસે સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આગેવાનીમાં કવોર્ટર ફાઈનલ રમેલી પોર્ટુગલની ટીમનો ફ્રાન્સ સામે 0-0ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 3-5થી પરાજય થયો હતો. રોનાલ્ડોની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી.
શનિવારે ત્રીજી દિલધડક કવોર્ટર ફાઈનલમાં ઇંગ્લૅન્ડ અને સ્વિટઝરલૅન્ડે એકમેકને જોરદાર લડત આપી હતી. 1-1ની બરાબરી બાદ છેવટે ઇંગ્લૅન્ડનો પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી વિજય થયો હતો.
નેધરલૅન્ડસની ટર્કી સામેની કવોર્ટર ફાઇનલ પણ થ્રિલર બની હતી. એમાં નેધરલૅન્ડ્સે ટર્કીને 2-1થી હરાવીને 20 વર્ષ પછી ફરી એક વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.