યુએઇની ટીમમાં ભારત-પાકિસ્તાન જેવું કંઈ નથી, અમે પરિવાર જેવા છીએઃ કૅપ્ટન વસીમ

દુબઈઃ બુધવારે અહીં એશિયા કપ (Asia cup)માં પોતાની છેલ્લી લીગ મૅચ રમનાર યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમના ખેલાડીઓ પર ભારત (INDIA) અને પાકિસ્તાન (PAKISTAN) વચ્ચેના વિવાદની કોઈ જ વિપરીત અસર નથી થઈ અને એનું કારણ એ છે કે યુએઇની ટીમમાં સામેલ ભારત તથા પાકિસ્તાન મૂળના ખેલાડીઓ વચ્ચે બહુ સારી મિત્રતા અને તાલમેલ છે. યુએઇનો સુકાની મુહમ્મદ વસીમ કહે છે, ` અમારી યુએઇની ટીમમાં ભારત-પાકિસ્તાન જેવું કંઈ નથી, અમે એક પરિવાર જેવા છીએ.’
યુએઇની ટીમના પાંચ ખેલાડી સિમરનજીત સિંહ (સ્પિનર), રાહુલ ચોપડા (વિકેટકીપર-બૅટ્સમૅન), હર્ષિત કૌશિક (બૅટ્સમૅન), ધ્રુવ પરાશર (સ્પિન-ઑલરાઉન્ડર) અને અલીશેન શરાફુ (ઓપનિંગ બૅટ્સમૅન) ભારતીય મૂળના છે. બીજી તરફ, આ જ ટીમમાં મુહમ્મદ વસીમ (કૅપ્ટન-બૅટ્સમૅન), હૈદર અલી (સ્પિનર), જુનૈદ સિદ્દિકી (પેસ બોલર), મુહમ્મદ રોહિદ (પેસ બોલર) અને આસિફ ખાન (બૅટ્સમૅન) મૂળ પાકિસ્તાનના છે.
મુહમ્મદ વસીમને બુધવારની પાકિસ્તાન સામેની મૅચ પછી એક પત્રકારે પૂછ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી છે એની તમારી ટીમના ખેલાડીઓની માનસિકતા પર કે ખેલાડીઓ વચ્ચેની વાતચીત પર કોઈ અસર પડતી હોય છે ખરી?' જવાબમાં વસીમે કહ્યું,
ના, અમે ટીમની ચર્ચા દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી વિશે ક્યારેય કંઈ જ ચર્ચા નથી કરતા. અમારી ટીમમાં ભારતીય કે પાકિસ્તાની જેવું કંઈ નથી. અમે એક પરિવાર જેવા છીએ અને એને ધ્યાનમાં રાખીને જ રમીએ છીએ. અમે યુએઇની ટીમ માટે રમીએ છીએ. અમે એક ફૅમિલી જેવા છીએ અને પરિવારના સભ્યો તરીકે જ ભેગા થઈને રમીએ છીએ.’
આ પણ વાંચો : પાઇક્રૉફ્ટ સાથેનો પાકિસ્તાનનો પંગો વર્ષો જૂનો છે
બુધવારે યુએઇની ટીમને સુપર-ફોરમાં પહોંચવાનો સારો મોકો હતો. મુહમ્મદ વસીમની ટીમે પાકિસ્તાનને 20 ઓવરમાં 9/146 સુધી સીમિત રાખ્યું હતું. એક તબક્કે 147 રનના લક્ષ્યાંક સામે યુએઇનો સ્કોર 3/85 હતો અને ત્યારે યુએઇના બૅટ્સમેનોને ધીરજપૂર્વક અને સમજદારીથી રમીને વિજય હાંસલ કરવાની તક હતી, પણ એવું નહોતું થઈ શક્યું. ધબડકો થયા બાદ યુએઇની ટીમ છેવટે 17.4 ઓવરમાં 105 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.