IPL 2024સ્પોર્ટસ

યુ ટર્નઃ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યા પછી કોર્ટે લીધો સૌથી મોટો નિર્ણય

કોલંબોઃ વર્લ્ડ કપમાં યજમાન ભારતના હાથે કારમી હાર બાદ શ્રી લંકાની સરકારે શ્રી લંકન ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. જોકે સરકારના આ નિર્ણયને બદલીને કોર્ટે મંગળવારે શ્રી લંકા ક્રિકેટ બોર્ડને યથાવત રાખવાની મંજૂરી આપી હતી.
મુંબઈમાં ભારતે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ પછી લોકોમાં વ્યાપક ગુસ્સાને જોતા રમત ગમત મંત્રી રોશન રણસિંઘે સોમવારે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતામાં સાત સભ્યની વચગાળાની સમિતિની નિમણૂક કરી હતી.

શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે તેની સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તેમની અરજીની સુનાવણી કરતી વખતે રણસિંઘના નિર્ણય પર 14 દિવસ માટે સ્ટે મુક્યો હતો. સિલ્વા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટનો આદેશ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને યથાવત રાખવા સમાન છે અને બોર્ડ પહેલાની જેમ કાર્ય કરવાનું ચાલુ રાખશે.

રણતુંગાએ વહીવટ સંભાળવા માટે સોમવારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આ પહેલા સોમવારે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડને બરતરફ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડના વહીવટનના વિવાદની તપાસ કરવા વિક્રમસિંઘેએ વિદેશ મંત્રી અલી સાબરીની અધ્યક્ષતામાં કેબિનેટ પેટા સમિતિની રચના કરી હતી.

રણતુંગા અગાઉ નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના વડા રહી ચૂક્યા છે. તેઓ શ્રીલંકન બોર્ડમાં સિલ્વાના વહીવટ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભારત સામે કારમી હાર બાદ સિલ્વા વહીવટીતંત્રના રાજીનામાની માંગ સાથે બોર્ડની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button