સ્પોર્ટસ

બંગલાદેશમાં પ્રેક્ષકો વિફર્યા, ભારતીય છોકરીઓની ટીમ પર ફેંક્યા પથ્થર અને બૉટલ

અન્ડર-19 ફુટબૉલ સ્પર્ધાની ફાઇનલના શૂટઆઉટમાં 11-11ના રિઝલ્ટ પછી ભારતે વિનંતી સ્વીકારીને બંગલાદેશ સાથે ટ્રોફી શૅર કરી

ઢાકા: બંગલાદેશના ખેલાડીઓ અને પ્રેક્ષકો મૅચ વખતે અસભ્ય વર્તન કે ધમાલ કરવા માટે જાણીતા છે. મેદાન પર હરીફ ટીમને ઉશ્કેરવામાં કે સોશિયલ મીડિયામાં બળાપો કાઢવાની બાબતમાં તેઓ બીજાથી એક ચાસણી ચઢે એવા છે. વાત એ છે કે હરીફ ટીમની ખુશી કે સેલિબ્રેશન પચાવી નથી શકતા. બસ, હરીફોની હાંસી ઉડાવવામાં પાવરધા છે.

2020માં અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવવાની સાથે બંગલાદેશના ખેલાડીઓ સાતમા આસમાને ઉડવા લાગ્યા હતા, કારણકે તેમના દેશની એ પહેલી જ મોટી ટ્રોફી હતી. ત્યારે બંગલાદેશના એક ખેલાડીએ અભદ્ર કમેન્ટ કરી એટલે ભારતીય ખેલાડીઓનો પિત્તો ગયો અને ધમાલ શરૂ થઈ હતી.

અગાઉ કહ્યું એમ બંગલાદેશના પ્લેયરો હરીફ ટીમની (ખાસ કરીને ભારતીયોની) જીત જીરવી નથી શક્તા. પાટનગર ઢાકામાં ગુરુવારે સાંજે ભારત અને બંગલાદેશ વચ્ચે ‘સાફ’ અન્ડર-19 વિમેન્સ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાઈ હતી. ભારતની સિબાની દેવીએ આઠમી મિનિટમાં ગોલ કર્યો હતો, જ્યારે છેક 93મી મિનિટમાં બંગલાદેશની સાગોરિકાએ ગોલ કરીને સ્કોર સમકક્ષ કરી આપ્યો હતો. બેઉ ટીમે 1-1 ગોલ કરતા ફુલ ટાઇમને અંતે મૅચ ડ્રૉ રહી હતી જેને પરિણામે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. ફિફાના નિયમને અનુસરીને બન્ને ટીમની તમામ 11-11 ખેલાડીઓએ પેનલ્ટી કિક મારી હતી અને એમાં તમામ ખેલાડીઓ સફળ રહેતા સ્કોર 11-11થી સમાન રહ્યો હતો. હવે એ તબક્કે કોઈ એક ટીમને વિજેતા જાહેર કરવાની રેફરીની જવાબદારી હતી જે પૂરી કરવા તેમણે સિક્કો ઉછાળ્યો તો એમાં ભારત વિજેતા થયું. કૉઇન-ટૉસનું રિઝલ્ટ ભારતની તરફેણમાં આવતાં ઢાકાના સ્ટેડિયમના પ્રેક્ષકો વિફર્યા હતા અને તેમણે ભારતીય ટીમ પર પથ્થરો તેમ જ બૉટલ ફેંકતા મામલો વધુ ગંભીર બની ગયો હતો. ભારતીય ટીમને પૂરેપૂરી સલામતી આપવી પડી હતી.

મહિલાઓની જુનિયર કૅટેગરીમાં ભારતનું આ ચોથું ટાઇટલ હતું. જોકે બંગલાદેશની ધરતી પર પહેલું જ હતું.

બન્યું એવું કે રેફરીએ પેનલ્ટી શૂટઆઉટની 11-11ની બરાબરીને અંતે સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને વિજેતા જાહેર કરાયું, પરંતુ ધમાલ શરૂ થઈ જે લગભગ બે કલાક સુધી ચાલી હતી અને આયોજકોની વિનંતીનું માન રાખીને ભારતીય ટીમે બંગલાદેશની ટીમ સાથે ટ્રોફી શૅર કરવાની તૈયારી બતાવી હતી. છેવટે બન્ને ટીમને જોઇન્ટ વિનર જાહેર કરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button