પાકિસ્તાનની બે જાણીતી મહિલા ક્રિકેટરને કાર-અકસ્માત નડ્યો
કરાચી: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ‘મમ્મી’ અને ભૂતપૂર્વ કૅપ્ટન બિસ્માહ મારુફ અને લેગ-સ્પિનર ગુલામ ફાતિમા શનિવારે સાથી ખેલાડીઓ જોડે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝો માટેના ટ્રેઇનિંગ કૅમ્પ સંબંધમાં એકત્રિત થવાની તૈયારીમાં હતી, પણ એ પહેલાં શુક્રવારે બન્નેને કાર-અકસ્માત નડ્યો હતો. નસીબજોગે આ ઍક્સિડન્ટ ગંભીર નહોતો અને બન્નેને નજીવી ઈજા થઈ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પત્રકારોને માહિતી આપી હતી કે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને બોર્ડના તબીબોની ટીમ તેમની સંભાળ રાખી રહી છે.
પાકિસ્તાનની છેલ્લે ન્યૂ ઝીલૅન્ડમાં જે વન-ડે અને ટી-20 સિરીઝમાં મારુફ અને ફાતિમા રમી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી 18મી એપ્રિલે શરૂ થશે જેમાં ત્રણ વન-ડે અને પાંચ ટી-20 રમાશે.
ન્યૂ ઝીલૅન્ડમાં રમાયેલી સિરીઝોની ત્રણ મૅચમાં મારુફે કુલ 89 રન બનાવ્યા હતા જેમાંની એક મૅચમાં તેણે 68 રન બનાવીને પાકિસ્તાનને આશ્ર્વાસનરૂપી વિજય અપાવ્યો હતો. ફાતિમાએ એ શ્રેણીમાં કુલ છ વિકેટ લીધી હતી જે બન્ને ટીમની તમામ બોલર્સમાં હાઈએસ્ટ હતી.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ દુબઈ પહોંચી ગઈ છે જ્યાં તેઓ પ્રૅક્ટિસ કરશે.