એક બૉલમાં ‘બે સિક્સર’, બૅટર હિટ-વિકેટ છતાં નૉટઆઉટ જાહેર અને છેવટે જીતનો રોમાંચ
નૉર્થ સિડની: મહિલા ક્રિકેટમાં આજકાલ વિચિત્ર ઘટના બહુ બને છે. ચાર દિવસ પહેલાં મહિલા અમ્પાયરે એક અપીલમાં બૅટરને નૉટઆઉટ જાહેર કરી હતી, પરંતુ ડીઆરએસમાં અપીલ થતાં મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો અને તેમણે પણ બૅટરને નૉટઆઉટ ઘોષિત કરી હતી. જોકે થર્ડ અમ્પાયરનો ડિસિઝન આવ્યા પછી ભૂલમાં ફીલ્ડ અમ્પાયરે બૅટરને આંગળી ઊંચી કરીને આઉટ જાહેર કરી હતી. બધા ચોંકી ગયા હતા. થર્ડ અમ્પાયરે નૉટઆઉટ જાહેર કરી હોવા છતાં પણ કેમ આ અમ્પાયરે પેલીને આઉટ આપી? ફીલ્ડ અમ્પાયરને તરત જ ભૂલ સમજાઈ ગઈ અને તેમણે આંગળી નીચે ખેંચી લીધી હતી, પોતાની ભૂલ પર જ હસવા લાગ્યાં હતાં અને બૅટરને નૉટઆઉટ જાહેર કરી હતી.
રવિવારે નૉર્થ સિડનીમાં તો ગજબની ઘટના બની ગઈ. મહિલા ક્રિકેટરોની વન-ડે સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી લીધી એ પહેલાં મેદાન પર અભૂતપૂર્વ વિચિત્ર બનાવ બન્યો હતો. ઑસ્ટ્રેલિયાની 48મી ઓવરના છઠ્ઠા બૉલમાં અલાના કિંગ સ્ટ્રાઇક પર હતી. સાઉથ આફ્રિકાની બોલર ક્લાસે કમરથી ઊંચો ફુલ ટૉસ ફેંક્યો હતો જેમાં અલાનાએ જોરદાર ફટકો માર્યો હતો. તેના એ શૉટમાં સિક્સર ગઈ હતી, પણ એ પહેલાં અલાના શૉટ માર્યા બાદ સમતોલપણું ગુમાવતાં નીચે પડી રહી હતી ત્યારે તેનું બૅટ સ્ટમ્પ્સને વાગ્યું હતું, બેલ્સ ઉડી ગઈ હતી અને હિટ-વિકેટ થઈ હતી. જોકે સ્ક્વેર લેગ અમ્પાયરે નો બૉલ જાહેર કર્યો હતો અને એમાં ઑસ્ટ્રેલિયાને કુલ સાત રન મળ્યા હતા. નો બૉલને કારણે પછીનો બૉલ ફ્રી હિટ હતો જેમાં પણ અલાનાએ છગ્ગો માર્યો હતો. એ રીતે, એક બૉલમાં ઑસ્ટ્રેલિયાની ટીમને કુલ 13 રન મળ્યા હતા અને અલાના હિટ-વિકેટ હોવા છતાં નો બૉલને કારણે નૉટઆઉટ અપાઈ હતી. ક્લાસની એ ઓવરમાં કુલ બાવીસ રન બન્યા હતા. ક્લાસે પછીની ઓવરમાં અલાનાની વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ આ મૅચમાં 9 વિકેટે 277 રન બનાવ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમને 127 રનમાં આઉટ કરીને ડકવર્થ/લુઇસ મેથડને આધારે 110 રનથી વિજય મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી.