પાકિસ્તાની કેપ્ટનના ઘરે ભરપેટ જમ્યા પછી શ્રીલંકાના સુકાની સહિત બે ખેલાડી ગંભીર રીતે બીમાર, સ્વદેશભેગા થયા!

ઇસ્લામાબાદ: શ્રીલંકા (Sri Lanka)ના ક્રિકેટરો ઇસ્લામાબાદમાં આત્મઘાતી બોમ્બ ધડાકા થવાને કારણે પાકિસ્તાનની ટૂર અધવચ્ચેથી છોડી જવા માગતા હતા ત્યારે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના દબાણને લીધે તેમણે રમવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે ઇસ્લામાબાદ (Islamabad) શહેર જ બે શ્રીલંકન ક્રિકેટર માટે ભારે પડી ગયું.
વાત એવી છે કે પાકિસ્તાનના કેપ્ટન અને મુખ્ય ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રિદીએ ઇસ્લામાબાદમાં પોતાના ઘરે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના ક્રિકેટરો માટે ડિનર (dinner)નું આયોજન કર્યું હતું અને એ રાત્રિ ભોજનમાં ભરપેટ જમ્યા પછી શ્રીલંકાનો કેપ્ટન ચરિથ અસલંકા અને ફાસ્ટ બોલર અસિથ ફર્નાન્ડો ગંભીર રીતે બીમાર પડી ગયા હતા જેને પગલે તેમણે સ્વદેશ પાછા જતા રહેવું પડ્યું છે અને તેઓ પાકિસ્તાન સામે શરૂ થઈ રહેલી ટી-20 ટ્રાયેન્ગ્યુલરમાં નથી રમી શક્યા. દાસુન શનાકાને શ્રીલંકાની ટીમનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પાકિસ્તાનની સરકાર શ્રીલંકાના ક્રિકેટરોને આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા પૂરી પાડી શકી, પણ કેપ્ટન શાહીન આફ્રિદીના ઘરે બે શ્રીલંકન ખેલાડીઓને ‘ સલામતી’ મળી ન શકી. આ પાર્ટીમાં ત્રણેય દેશના વન-ડે તેમ જ ટી-20 ખેલાડીઓ હાજર હતા.
શાહીન આફ્રિદીના ઘરે જે ડિનર રાખવામાં આવ્યું હતું એમાં તમામ ખેલાડીઓને વિવિધ દેશોમાં બનતી હોય એવી પારંપારિક વાનગીઓ પીરસવામાં આવી હતી. એમાં અમુક પ્રકારની વાનગી શ્રીલંકાના આ બે ખેલાડીને માફક ન આવી અને તેઓ બીમાર પડી ગયા.
બંને શ્રીલંકન ખેલાડીને પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ તેમની તબિયત વધુ બગડતાં તેમણે સ્વદેશ પાછા જવાનું પસંદ કર્યું હતું.
ફર્નાન્ડોના સ્થાને પવન રત્નાયકેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટી-20 ત્રિકોણિય જંગ 18મી નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી રમાશે. સલામતીના કારણસર તમામ મૅચો રાવલપિંડીમાં રમાવાની છે.



