
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક એક ઈતિહાસ રચી શકે છે. એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડ સામે તેનો શાનદાર દેખાવ રહ્યો છે. અત્યાર સુધીની ત્રણ મેચમાં તેણે 17.04ની સરેરાશથી 22 વિકેટ લીધી છે. તે સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે. સ્ટાર્કની શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયામાં સીરિઝમાં 3-0ની લીડ લીધી છે. સીરિઝની ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં શરૂ થશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ ફાઈવ બોલરમાં ભારતના બે છે, સ્ટાર્ક નંબર વન બનવાની નજીક છે. બે ટેસ્ટમાં 11 વિકેટ લેવાની સાથે જ તે નંબર વન બોલર બની જશે.

કોના નામે છે નંબર વનનો રેકોર્ડ
હવે સ્ટાર્ક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બનાવાની ખૂબ નજીક છે. આ રેકોર્ડ હાલ નાથન લાયનના નામે છે, તેણે 224 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિંસ 221 વિકેટ સાથે બીજા સ્થાને છે. લિયોન અને કમિંસ એશિઝની બાકીની ટેસ્ટમાં નહીં રમે, જેથી સ્ટાર્ક પાસે આ રેકોર્ડ તોડવાનો મોકો છે. 2019માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થઈ હતી.
સ્ટાર્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની 52 મેચમાં 213 વિકેટ ઝડપી છે. નાથન લાયનને પાછળ રાખવા તેને માત્ર 11 વિકેટની જરૂર છે. સીરિઝમાં તે જે રીતે બોલિંગ કરી રહ્યો છે તેને જોતાં બોક્સિંગ ડે ટેસ્ટમાં રેકોર્ડ તોડી શકે છે. જો મેલબર્નમાં આ રેકોર્ડ નહીં તૂટે તો સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટમાં તેની પાસે ઉપલબ્ધિ હાંસલ કરવાનો મોકો રહેશે.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ
નાથન લાયન – 224 વિકેટ – 55 મેચ
પેટ કમિંસ – 221 વિકેટ – 52 મેચ
મિચેલ સ્ટાર્ક – 213 વિકેટ – 52 મેચ
આર અશ્વિન – 195 વિકેટ – 41 મેચ
જસપ્રીત બુમરાહ – 185 વિકેટ – 42 મેચ
આપણ વાંચો: વિરાટ 5,783 દિવસે રમ્યો વિજય હઝારે ટ્રોફીમાંઃ 16,000 રનનો સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો



