ટવેન્ટી-20 સિરીઝ ભારતને નામઃ પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયા છ રને જીત્યું
બેંગલુરુ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટવેન્ટી-20 સિરીઝમાં ભારતે પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બોલિંગ લેતા ભારત પહેલા બેટિંગમાં આવ્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાએ 160 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. જીતવા આવેલી કાંગારુ ટીમે તબક્કાવાર વિકેટ ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયા વતીથી કેપ્ટન મેથ્યુ વેડે છેલ્લે સુધી લડત આપી હતી, પરંતુ તબક્કાવાર વિકેટો ગુમાવી હતી. મેથ્યુ વેડે 15 બોલમાં 22 રન કર્યા હતા, જેમાં ચાર ચોગ્ગા માર્યા હતા. આમ છતાં અર્શદીપ સિંહે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 154 રન કરી શક્યું હતું, પરિણામે આજની મેચ ભારત છ રને જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયાવતીથી બેન મેકડેરમોટ શાનદાર ઈનિંગ રમ્યો હતો. 36 બોલમાં ચોપન રન કર્યા હતા, ત્યારબાદ ટ્રેવિસ હેડે 18 બોલમાં 28 રન, મેટ શોર્ટે 11 બોલમાં 16 રન કર્યા હતા, પરંતુ ત્યારપછી અન્ય બેટર બેન દ્વારસ્લિસ (ઝીરો રને આઉટ થયો હતો) જોશ ફિલિપ (4), એરોન હાર્ડી (6)એ સાવ સામાન્ય સ્કોર કર્યો હતો. બીજી બાજુ મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી, અશર્દીપ સિંહ અને રવિ બિશ્નોઈએ બબ્બે વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.
અગાઉ બેટ્સમેન શ્રેયસ ઐય્યરે તેની ટી-20 કરિયરની આઠમી અડધી સદી ફટકારીને ભારતને ઓસ્ટ્રેલિયા સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 161 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન કર્યા હતા. ટીમ તરફથી શ્રેયસે સૌથી વધુ 53 રન કર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 31 રન કર્યા હતા. જીતેશ શર્માએ 16 બોલમાં 24 રન અને યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડ 10, રિંકુ સિંહ છ, સૂર્યકુમાર યાદવ પાંચ રન કરી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ અને બેન ડોર્સિસે બે-બે વિકેટ ઝડપી હતી. એરોન હાર્ડી, નાથન એલિસ અને તનવીર સંઘાને એક-એક સફળતા મળી હતી.
ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ગાયકવાડે પ્રથમ વિકેટ માટે 4.3 ઓવરમાં 33 રનની ભાગીદારી કરી હતી. આ પછી ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે આઉટ થયા હતા. જો કે, શ્રેયસ અને જીતેશ શર્માએ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જીતેશ શર્મા 16 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો.