પાકિસ્તાન મેઘરાજા પછી પ્રારંભિક ધબડકાથી પરેશાન, બે બૅટરની હાફ સેન્ચુરીએ બાજી સુધારી

રાવલપિંડી: બાંગ્લાદેશ સામે હજી સુધી એકેય ટેસ્ટ ન હારનાર પાકિસ્તાને અહીં ટેસ્ટ-સિરીઝના પ્રથમ દિવસે મેઘરાજાના પ્રારંભિક વિઘ્ન બાદ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ બે બૅટરે હાફ સેન્ચુરી ફટકારીને પાકિસ્તાનને મોટી મુસીબતમાંથી ઉગારી લીધું હતું. પહેલા દિવસની મર્યાદિત રમત બંધ રહી ત્યારે યજમાન ટીમનો સ્કોર ચાર વિકેટે 158 રન હતો.
પહેલા 16 રનની અંદર પાકિસ્તાને અબ્દુલ્લા શફીક, કૅપ્ટન શાન મસૂદ અને ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ સહિતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાબરની ટેસ્ટ-કરીઅર ડગુમગુ છે. તે સતત સાત ટેસ્ટમાં સારું નથી રમી શક્યો. જોકે ઓપનર સઈમ અયુબ (98 બૉલમાં 56 રન) તથા પાંચમા ક્રમના બૅટર સાઉદ શકીલ (92 બૉલમાં અણનમ 57) વચ્ચેની ચોથી વિકેટ માટેની 98 રનની ભાગીદારીએ પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. અયુબની ચોથી વિકેટ બાદ શકીલે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન (31 બૉલમાં અણનમ 24) સાથે 44 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી.
આ પણ વાંચો : મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાંથી હટાવાયો, હવે રમાશે…
બાંગ્લાદેશના બે પેસ બોલર શૉરિફુલ ઇસ્લામ અને હસન મહમૂદે બે-બે વિકેટ લીધી હતી. જોકે પીઢ સ્પિનર શાકિબ અલ હસન સહિત ત્રણ બોલર વિકેટ વિનાના રહ્યા હતા.
મૅચ સવારે 10.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વહેલી સવારે વરસાદ પડતાં પિચ અને આઉટફીલ્ડ ભીના હોવાથી રમત ઘણી મોડી શરૂ થઈ હતી. બાંગ્લાદેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. તેના બોલર્સે શરૂઆત સારી કરાવી આપી, પણ પછીથી યજમાન ટીમની બાજી સુધરી ગઈ હતી.
પાકિસ્તાનના લાહોરના સ્ટેડિયમમાં બાંધકામ ચાલી રહ્યું હોવાથી બીજી અને છેલ્લી ટેસ્ટ પણ રાવલપિંડીમાં જ રમાશે.