ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયરને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવાનો મોકો, જાણો કેવી રીતે…
ઈન્ડિયા ‘એ' ટીમને મળ્યો નવો કેપ્ટન

નવી દિલ્હી: બીસીસીઆઈ (bcci)એ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ઇન્ડિયા ‘એ’ (India A) ટીમ જાહેર કરી છે જેમાં અનેક જાણીતા ખેલાડીઓની સાથે બૅટ્સમેન કરુણ નાયર (karun nair)ને પણ સામેલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના જોધપુરમાં જન્મેલો કરુણ નાયર ભારત વતી ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વીરેન્દર સેહવાગ પછીનો માત્ર બીજો ભારતીય ખેલાડી છે.
કરુણ નાયર ભારત વતી છેલ્લે 2017માં (આઠ વર્ષ પહેલાં) રમ્યો હતો.
ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ઈન્ડિયા ‘એ’ ટીમમાં સામેલ કરુણ નાયર આ ટૂરમાં સારું રમીને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી શકે એમ છે. તે 33 વર્ષનો છે અને ભારત વતી છ ટેસ્ટ તથા બે વન-ડે રમ્યો છે.

તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પર્ફોર્મ કરવા બદલ તેને ઇંગ્લૅન્ડના પ્રવાસનો મોકો મળ્યો છે. કરુણ નાયરે 2024-25માં ચેમ્પિયન બનેલી વિદર્ભની રણજી ટીમ વતી સેકન્ડ હાઈએસ્ટ રન કર્યા હતા. 2023 અને 2024માં તેણે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં કુલ 736 રન કર્યા હતા. ગ્લેમોર્ગન કાઉન્ટી ટીમ સામે તેણે ડબલ સેન્ચુરી (અણનમ 202 રન) નોંધાવી હતી.
ઇન્ડિયા ‘એ’ ટીમ ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ ‘એ’ (England A) સામે બે મૅચ રમશે. એ જ અરસામાં ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ રમવા જવાની છે.
ઇન્ડિયા ‘એ’ ટીમનું સુકાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવ્યું છે. યશસ્વી જયસ્વાલ, વિકેટકીપર ધ્રુવ ઝુરેલ અને શાર્દુલ ઠાકુરને ઇન્ડિયા ‘એ’ ટીમમાં સમાવવામાં આવ્યા છે.
શુભમન ગિલ અને બી. સાઈ સુદર્શન ઇન્ડિયા ‘એ’ની બીજી મૅચ પહેલાં ઇંગ્લેન્ડ પહોંચી જશે.
આપણ વાંચો: કોલકાતાને મુંબઈ-ચેન્નઈની હરોળમાં કેમ ન આવવા મળ્યું?
ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ઇન્ડિયા ‘એ’ ટીમ…
અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, ઋતુરાજ ગાયકવાડ, કરુણ નાયર, શુભમન ગિલ (માત્ર બીજી મૅચ માટે), સાઈ સુદર્શન (માત્ર બીજી મૅચ માટે), શાર્દુલ ઠાકુર, સરફરાઝ ખાન, માનવ સુથાર, હર્ષિત રાણા, મુકેશકુમાર, આકાશદીપ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, તુષાર દેશપાંડે, તનુષ કોટિયન અને હર્ષ દુબે.