ટીમ ઇન્ડિયા માટે ટ્રિપલ સેલિબ્રેશનના દિવસો બહુ દૂર નથી!
દુબઈ: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ જીતી ચૂકી છે અને હવે ઑસ્ટ્રેલિયાને પણ ‘હરાવવાની’ તૈયારીમાં છે.
વાત એમ છે કે પાંચ મૅચની શ્રેણીમાં 3-1થી વિજયી સરસાઈ ધરાવતી ભારતીય ટીમ ટેસ્ટના રૅન્કિંગમાં ફરી મોખરે બનશે એ દિવસ બહુ દૂર નથી. વન-ડે અને ટી-20માં ભારત અવ્વલ સ્થાને છે જ, હવે ટેસ્ટમાં પણ નંબર-વનની રૅન્ક મેળવી શકશે.
ઑસ્ટ્રેલિયાની જેમ ભારતના 117 રેટિંગ છે. ઑસ્ટ્રેલિયાને ઘણા વખતથી ચડિયાતા પૉઇન્ટને કારણે મોખરે રહેવા મળ્યું છે જે પાછળનું મુખ્ય કારણ એ છે કે આઇસીસીએ એક મહિના કરતાં વધુ સમયથી રૅન્કિંગ્સ અપડેટ કર્યા જ નથી. છેલ્લે 28મી જાન્યુઆરીએ રૅન્કિંગ અપડેટ કર્યા હતા અને ત્યારથી ઑસ્ટ્રેલિયા નંબર-વન, ભારત નંબર-ટૂ અને ઇંગ્લૅન્ડ નંબર-થ્રી છે. હવે ભારતે ઇંગ્લૅન્ડ સામે લાગલગાટ ત્રણ ટેસ્ટ જીતી લીધી છે અને એમાંથી બે ટેસ્ટ તોતિંગ માર્જિનથી (રાજકોટમાં 434 રનથી અને રાંચીમાં ૂપાંચ વિકેટે) જીતી છે. હવે જ્યારે ભારતે સિરીઝ જીતી જ લીધી છે ત્યારે ટેસ્ટમાં પણ નંબર-વન થવાની પાકી સંભાવના છે. ઑસ્ટ્રેલિયાની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં જીતવાની શરૂઆત કરવાની તૈયારીમાં હોવાથી મોખરે પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે તો ભારતની નંબર-વનની શક્યતા ઘટી શકે, પણ સાતમી ફેબ્રુઆરીએ ધરમશાલામાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પણ જીતીને ભારત નંબર-વનના સ્થાન માટેનો દાવો સ્ટ્રૉન્ગ કરી શકશે.
અહીં ખાસ જણાવવાનું કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના પૉઇન્ટ્સ ટેબલમાં ભારત 64.58 પૉઇન્ટ સાથે બીજા નંબરે અને ન્યૂ ઝીલૅન્ડ 75.00 પૉઇન્ટ સાથે પહેલા નંબરે
છે.