ટ્રેવિસ હેડ ખોટું બોલે છે, તેણે મને ગાળ આપી હતીઃ મોહમ્મદ સિરાજ…
ઍડિલેઇડઃ ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજે એવો દાવો કર્યો છે કે ઍડિલેઇડ ટેસ્ટના બીજા દિવસે ચકમકની શરૂઆત ટ્રેવિસ હેડે કરી હતી, કારણકે પહેલાં તેણે મને ગાળ આપી હતી.’ ટ્રેવિસ હેડે શનિવારે પ્રથમ દાવમાં 140 રન બનાવ્યા હતા અને તેની એ સેન્ચુરી જ ભારતને ભારે પડી હતી. સિરાજે 76 રન પર ટ્રેવિસ હેડનો કૅચ છોડ્યો હતો. જોકે ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 82મી ઓવરના ચોથા બૉલમાં સિરાજે ટ્રેવિસ હેડને નીચા યૉર્કરમાં ક્લીન બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો : ટ્રેવિસને ચાર-પાંચ રનમાં આઉટ કર્યો હોત તો ઠીક છે, 140 રન બનાવનારને જોશમાં `સૅન્ડ-ઑફ’ આપવાનો શું મતલબ: ગાવસકર…
તેને આઉટ કર્યા પછી સિરાજે બે વખત તેને પૅવિલિયનનો રસ્તો બતાવતો ઇશારો કરીને આક્રમક અંદાજમાં તેને સેન્ડ-ઑફ આપી હતી. સિરાજે રવિવારે ભારતના પરાજય પછી એક જાણીતી હિન્દી સ્પોર્ટ્સ ચૅનલને મુલાકાતમાં કહ્યું,ટ્રેવિસ હેડ ખૂબ સારું રમી રહ્યો હતો. અમારી વચ્ચે બહુ સારી રસાકસી થઈ હતી. સારો બૉલ ફેંક્યો હોય એમ છતાં એમાં બૅટર સિક્સર મારે તો બોલરમાં આપોઆપ નવું જોમ આવી જાય. એવા એક બૉલમાં મેં તેને ક્લીન બોલ્ડ કર્યો અને મારી વિકેટને માત્ર સેલિબે્રટ કરી તો તેણે મને ગાળ આપી હતી. બધાએ ટીવી પર એ જોયું જ હશે. મેં માત્ર મારી રીતે સેલિબે્રશન કર્યું હતું.
હું તેને કંઈ બોલ્યો નહોતો. તેણે મારા વિશે પત્રકાર પરિષદમાં જે કંઈ કહ્યું એ ખોટું હતું. તે જૂઠ્ઠું બોલ્યો. મને તેણે વેલ બોલ્ડ’ એવું કહ્યું જ નહોતું. તે મને એવું કંઈ બોલ્યો જ નહોતો.’ સિરાજે ચૅનલને એવું પણ કહ્યું કેઅમે દરેકનું માન જાળવીએ છીએ. અન્ય ખેલાડીઓનો માનભંગ નથી કરતા. ક્રિકેટ જેન્ટલમૅન્સ ગેમ છે અને એટલે જ હું દરેકને માન આપતો હોઉં છું, પરંતુ તેણે જે કર્યું એ ઠીક નહોતું. મને એ જરાય ન ગમ્યું.’
રવિવારે મૅચને અંતે બન્ને ટીમના ખેલાડીઓ અને બેઉ કૅપ્ટન શનિવારની ઘટના ભૂલીને એકમેકને મળ્યા હતા. સિરાજ અને ટ્રેવિસ હેડ પણ એકબીજાને ભેટ્યા હતા.
રોહિત શર્માએ સિરાજ-ટ્રેવિસના બનાવ વિશે પૂછાતાં કહ્યું, હું સ્લિપમાં ઊભો હતો. બન્ને વચ્ચે શેની શાબ્દિક આપ-લે થઈ એ નથી જાણતો, પણ એટલું જરૂર કહીશ કે બન્ને ટીમ સ્પર્ધાત્મક અભિગમવાળી છે અને આવું તો બન્યા કરે. ટ્રેવિસ ખૂબ સારું રમ્યો, પરંતુ તે અમારા બોલર્સ પર દબાણ નાખવાના પ્રયાસમાં હતો અને અમારે તેને કોઈ પણ રીતે આઉટ કરવો હતો અને તે આઉટ થયો એટલે તેની વિકેટનું સેલિબે્રશન થયું.
બન્ને વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી, પણ હું એ ઘટનાને બહુ ગંભીરતાથી લેતો જ નથી. ક્રિકેટમાં આવું તો બન્યા કરે.’ રોહિતે ચૅનલને એવું પણ કહ્યું હતું કેહું ટીમનો કૅપ્ટન છું અને સિરાજને સપોર્ટ કરવાનું મારું કામ છે. હું તેની આક્રમકતા સમજું છું. હા, અમુક પ્રકારની મર્યાદા હોય એ ન ઓળંગાવી જોઈએ એવું પણ હું માનું છું. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓ આવી (સિરાજ જેવી) આક્રમકતા બતાવી ચૂક્યા છે અને સિરાજે એવી જ ઉગ્રતા બતાવી હતી. બીજું કંઈ નવું નહોતું. હું એટલું જરૂર કહીશ કે આક્રમકતા અને વધુપડતી ઉગ્રતા વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. બાકી, સામસામી થોડી બોલાચાલી થઈ જાય એ કોઈ મોટી વાત નથી.
આ પણ વાંચો : IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં ભારતની 10 વિકેટથી હાર, સીરિઝ 1-1થી બરાબર
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે પોતાના ખેલાડીઓના મેદાન પરના વર્તન વિશે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું, `અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડી દીધો એટલે મારા માટે એ ઘટના ત્યાં જ ખતમ થઈ ગઈ હતી.’