સિરીઝમાં કુલ 3,393 રન… ભારતનો નવો રેકૉર્ડ | મુંબઈ સમાચાર

સિરીઝમાં કુલ 3,393 રન… ભારતનો નવો રેકૉર્ડ

કરણ નાયર 3,149 દિવસ બાદ ફરી 50 રન પર પહોંચ્યો

લંડનઃ અહીં ધ ઓવલના ગ્રાઉન્ડ પર ગઈ કાલે પાંચમી અને છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)માં પહેલા દિવસે વરસાદના વારંવારના બ્રેક બાદ રમતને અંતે ભારત (India)નો પ્રથમ દાવનો સ્કોર 6/204 હતો. ભારતે વર્તમાન સિરીઝમાં કુલ 3,393 રન કર્યા છે. ભારતે 1932થી માંડીને અત્યાર સુધીમાં રમેલી તમામ ટેસ્ટ શ્રેણીઓમાં (કોઈ એક શ્રેણી (Test series)માં બનાવેલા કુલ રનની રેકૉર્ડ બુકમાં) આ નવો વિક્રમ છે. 1978માં ભારતે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં છ ટેસ્ટ મૅચમાં કુલ 3,270 રન કર્યા હતા અને એ રેકૉર્ડ હવે તૂટી ગયો છે. જોકે ભારતના 3,393 રન વિશ્વભરની ટેસ્ટ ક્રિકેટમાં (1995 પછીના) છેલ્લા 30 વર્ષમાં હાઈએસ્ટ છે. 2003માં ઇંગ્લૅન્ડ (England) સામેની શ્રેણીમાં સાઉથ આફ્રિકાએ 3,323 રન કર્યા હતા અને એ આંકડો ભારતના 3,393 રન પછી બીજા નંબરે છે.

નાયરની ટ્રિપલ સદી બાદ છેક 3,149 દિવસે હાફ સેન્ચુરી

કરુણ નાયર (Karun Nair) કરીઅરની સૌથી આકરી કસોટી આપી રહ્યો છે અને તે ગઈ કાલે રાત્રે 98 બૉલમાં સાત ફોરની મદદથી બનાવેલા બાવન રને દાવમાં હતો અને વૉશિંગ્ટન સુંદર 19 રને રમી રહ્યો હતો. નાયર-વૉશિંગટન વચ્ચે સાતમી વિકેટ માટે 51 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. નાયરના બે ફિફટી વચ્ચે 3,149 દિવસ વીતી ગયા અને ભારતની રેકૉર્ડ બુકમાં આટલા દિવસનો તફાવત બીજા નંબરે છે. કરુણ નાયરે ડિસેમ્બર, 2016માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં ત્રેવડી સદી (303 અણનમ) ફટકારી હતી. એ પછી છેક હવે તેણે હાફ સેન્ચુરી નોંધાવી છે. જોકે 2016 બાદ આઠ વર્ષ સુધી ભારત વતી ટેસ્ટમાં તેને ફરી નહોતું રમવા મળ્યું.

પાર્થિવ પટેલના નામે છે વિક્રમ

ભારતીયોમાં કોઈ એક બૅટ્સમૅનના બે 50-પ્લસ રન વચ્ચેનો સૌથી વધુ દિવસના અંતરનો રેકૉર્ડ પાર્થિવ પટેલના નામે છે. 2004થી 2016 દરમિયાન પાર્થિવના બે 50-પ્લસ રન વચ્ચે 4,426 દિવસનું અંતર હતું.

સાઇ સુદર્શન 108 બૉલ રમવા છતાં 38 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેને આ પહેલાં સિરીઝમાં જે બે ટેસ્ટમાં રમવા મળ્યું એમાં તેના સ્કોર્સ આ મુજબ હતાઃ 0, 30, 61, 0.

ભારતે મેઘરાજાના બે વિઘ્ન વચ્ચે સિરીઝના સુપરસ્ટાર શુભમન ગિલ (21 રન, 35 બૉલ, ચાર ફોર)ની વિકેટ ગુમાવી હતી. લંચ બાદ રમત થોડી મોડી શરૂ થયા બાદ ગિલ રનઆઉટ થતાં ભારતીય ટીમને 83 રનના કુલ સ્કોર પર ત્રીજી વિકેટના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. ગિલ પોતાની જ ઉતાવળને લીધે વિકેટ ગુમાવી બેઠો હતો. ડ્રેસિંગ-રૂમની બહાર બેઠેલો હેડ-કોચ ગૌતમ ગંભીર ખુદ ગંભીર મુદ્રામાં આવી ગયો હતો. ગિલ પરનો ગુસ્સો તેના ચહેરા પર દેખાતો હતો.

ભારતની પહેલી છમાંથી એક વિકેટ (શુભમન ગિલના) રનઆઉટની હતી, જ્યારે બાકીની પાંચમાંથી બે-બે વિકેટ ઍટક્નિસન અને જૉશ ટન્ગે અને એક વિકેટ ક્રિસ વૉક્સને મળી હતી.

આપણ વાંચો:  મેઘરાજાએ હેરાન કર્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button