જુઓ, પર્થમાં બૅટરના શૉટમાં બૉલ વાગતાં અમ્પાયરને કેવી ઈજા થઈ…

પર્થઃ ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટના મુખ્ય સ્થળોમાં પર્થ શહેર દાયકાઓથી ફાસ્ટ બોલર્સ માટે સ્વર્ગ સમાન રહ્યું છે અને આ શહેરમાં ભારતીયો શુક્રવાર, બાવીસમી નવેમ્બરથી ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ રમવાના છે. એક તરફ પર્થના જૂના ને જાણીતા સ્ટેડિયમની નજીક બનેલા ઑપ્ટસ સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ માટેની તડામાર તૈયાર થઈ રહી છે ત્યાં બીજી તરફ દક્ષિણ પર્થના એક મેદાન પર ગયા વીકએન્ડમાં એક ગંભીર ઘટના બની ગઈ જેનાથી ક્રિકેટજગતમાં સનસનાટી મચી ગઈ છે.
આ પણ વાંચો : ભારતનું નામ લઈને આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે…
સાઉથ પર્થમાં ત્રીજા સ્તરની એક મૅચ એક બૅટરના પાવરફુલ શૉટમાં બૉલ સીધો સામે ઊભેલા અમ્પાયરને વાગ્યો હતો.
બૅટરનો આ સ્ટ્રેઇટ શૉટ હતો જેમાં બૉલ અમ્પાયર ટૉની ડિનોબે્રગાના ચહેરા પર વાગ્યો હતો. ખાસ કરીને તેમને જમણી આંખ પર ગંભીર ઈજા થઈ હતી.
બૉલ વાગતાં જ તરત તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમ્પાયર ટૉનીને ચહેરા પર બૉલ એટલો જોરદાર વાગ્યો કે એમાં તેમના હોઠ પર પણ ઈજા થઈ હતી. નસીબજોગે, તેમના ચહેરા પરના કોઈ હાડકામાં ફ્રૅક્ચર નહોતું થયું.
તેમને એક રાત માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા જેમાં ડૉક્ટરે તેમની આંખની ઈજા ન વધે એની ખાસ કાળજી રાખી હતી.
વેસ્ટ ઑસ્ટ્રેલિયન સબર્બન ટર્ફ ક્રિકેટ અમ્પાયર્સ ઍસોસિએશને એક યાદીમાં જણાવ્યું હતું કે અમ્પાયર ટૉની જલદી સાજા થઈ જાય એવી અમારી શુભેચ્છા છે.’ ઑસ્ટ્રેલિયામાં અમ્પાયરોને બૉલ વાગવાની આ પહેલી ઘટના નથી. દેશની જાણીતી ટી-20 લીગ બિગ બૅશમાં આવી ઘટના અગાઉ બની ચૂકી છે એટલે જ 2015ની સાલમાં જેરાર્ડ અબૂડ નામના અમ્પાયરે અમ્પાયરિંગ દરમ્યાન માથાના રક્ષણ માટેની નાની હેલ્મેટ પહેરી હતી અને તેઓ આવી હેલ્મેટ પહેરનાર પ્રથમ અમ્પાયર બન્યા હતા. અમ્પાયર જેરાર્ડે ત્યારે મેલબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચેની મૅચ દરમ્યાન આ હેલ્મેટ પહેરી હતી.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર રૉડની માર્શે 2015માં સૂચન કર્યું હતું કેઅમ્પાયરને સ્ટમ્પ્સથી થોડા વધુ પાછળ ઊભા રહેવાની છૂટ મળવી જોઈએ કે જેથી જો બૅટરના શૉટમાં બૉલ તેમની તરફ આવી રહ્યો હોય તો એનાથી બચવા તેમને થોડો સમય મળી શકે. આંતરરાષ્ટ્રીય મૅચમાં કે પ્રથમ કક્ષાની મૅચમાં મેદાન પરના અમ્પાયરને બૉલ વાગવાથી ગંભીર ઈજા પહોંચે કે અમ્પાયરનું મૃત્યુ થાય એટલી હદ સુધી ગંભીર ઘટના ન બને એ પહેલાં અમ્પાયર્સની સુરક્ષિતતા વિશે ચેતી જવાની જરૂર છે.
રૉડની માર્શે ત્યારે એવું પણ જણાવ્યું હતું કે `હું જો અત્યારે અમ્પાયરિંગ કરતો હોત તો મેં બેઝબૉલ કૅચર જેવી હેલ્મેટ, ચેસ્ટ પૅડ અને શિન ગાર્ડ પહેર્યા હોત.
2014માં ઇઝરાયલની એક ક્લબ સ્તરની મૅચમાં હિલ્લેલ ઑસ્કરનું મૃત્યુ થયું હતું. એ ઘટનામાં બૉલ સ્ટમ્પ્સને લાગ્યા બાદ ઑસ્કરને માથા પર વાગ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS: આ 4 ખેલાડી સિરીઝનું પરિણામ બદલી શકે છે! મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી
2019માં ઇંગ્લૅન્ડની નજીક આવેલા વેલ્શના જૉન વિલિયમ્સ નામના અમ્પાયરને બૅટરના શૉટમાં બૉલ માથા પર વાગતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.



