આ કિવી-સ્ટાર ભારત સામે શરૂઆતની મૅચો નહીં રમે, કૅપ્ટન પણ બદલાયો છે…
વેલિંગ્ટન: આગામી 16મી ઑક્ટોબરે ઘરઆંગણે ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રણ મૅચની જે ટેસ્ટ-સિરીઝ રમાવાની છે એમાં શરૂઆતના કેટલાક દિવસો દરમ્યાન ભૂતપૂર્વ કૅપ્ટન અને પીઢ બૅટર કેન વિલિયમસન ઈજાને કારણે નહીં રમે. ટિમ સાઉધી શ્રીલંકા સામેની 0-2ની હારને પગલે કૅપ્ટન્સી છોડી ચૂક્યો હોવાથી ટૉમ લૅથમને ફરી સુકાન સોંપવામાં આવ્યું છે.
લૅથમે છેલ્લે જૂન, 2022માં ન્યૂ ઝીલૅન્ડની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી હતી.
ન્યૂ ઝીલૅન્ડના સિલેક્ટર્સે જાહેર કરેલી 17 ખેલાડીની ટીમમાં વિલિયમસનના સ્થાને માર્ક ચૅપમૅનને સમાવ્યો છે.
પ્રથમ ટેસ્ટ (16મી ઑક્ટોબરથી) બેન્ગલૂરુમાં, બીજી ટેસ્ટ (24મી ઑક્ટોબરથી) પુણેમાં અને ત્રીજી ટેસ્ટ (1 નવેમ્બરથી) મુંબઈમાં રમાશે.
ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ પહેલી જ ટેસ્ટમાં રમશે. તેની પત્ની બીજા બાળકને જન્મ આપવાની હોવાથી બ્રેસવેલ પહેલી ટેસ્ટ પછી નહીં રમે. બ્રેસવેલના સ્થાને ઇશ સોઢીને સ્ક્વૉડમાં સમાવવામાં આવશે.
ન્યૂ ઝીલૅન્ડની ટીમ: ટૉમ લૅથમ (કૅપ્ટન), ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), માઇકલ બ્રેસવેલ (પહેલી જ ટેસ્ટ માટે), માર્ક ચૅપમૅન, ડેવૉન કૉન્વે, મૅટ હેન્રી, ડેરિલ મિચલ, વિલ ઓ’રુરકી, અજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચલ સૅન્ટનર, બેન સીઅર્સ, ઇશ સોઢી (બીજી, ત્રીજી ટેસ્ટ માટે), ટિમ સાઉધી, કેન વિલિયમસન અને વિલ યંગ.