સ્પોર્ટસ

આજે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ટી-૨૦ મેચ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ખરાબ છે રેકોર્ડ

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમશે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતે ટી૨૦ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ભારતે બાંગ્લાદેશને ૨-૧થી હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પહોંચી હતી.
બીજી તરફ વિશ્ર્વની બીજા નંબરની ટીમ ઈંગ્લેન્ડ શ્રીલંકા સામે ૧-૨થી મળેલી હારને ભૂલાવી ફરીથી શરૂઆત કરવા માંગશે. વિશ્ર્વની ચોથા નંબરની ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટી૨૦ શ્રેણીમાં ખરાબ રેકોર્ડ રહ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની નવ મેચમાંથી ભારતે માત્ર બેમાં જ જીત મેળવી છે. છેલ્લી જીત પાંચ વર્ષ પહેલા માર્ચ ૨૦૧૮માં મળી હતી જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીની કુલ ૨૭ મેચોમાંથી ભારત માત્ર સાતમાં જ જીત્યું છે.

ભારતીય મહિલા ટીમે છેલ્લે માર્ચ ૨૦૨૧માં લખનઊમાં દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ટી-૨૦ મેચ જીતી હતી. ત્યારથી ભારત ઘરઆંગણે ચાર મેચ હારી ગયું છે અને એક ટાઈ થઈ છે. છેલ્લી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ બંનેએ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યુ ંહતું. દીપ્તિ શર્માએ ભારત માટે ૧૬ મેચમાં ૧૯ વિકેટ લીધી છે જ્યારે બેટિંગમાં હરમનપ્રીતે ૧૩ ટી-૨૦માં ૩૨૩ રન કર્યા છે. જેમિમાહ રોડ્રિગ્સે ૧૬ મેચમાં ૩૪૨ રન કર્યા છે જ્યારે સ્મૃતિ મંધાનાએ ૧૫ મેચમાં સૌથી વધુ ૩૬૯ રનનું યોગદાન આપ્યું છે.

ભારતે ત્રણ નવા ચહેરાઓને તક આપી છે, કર્ણાટકની સ્પિનર શ્રેયંકા પાટીલ, પંજાબના સ્પિનર મન્નત કશ્યપ અને બંગાળની સ્પિનર સાયકા ઈશાકનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button