સ્પોર્ટસ

અશ્વિનની ટીમ સામે પરાજિત થયેલી મદુરાઇની ટીમ સામે કેમ કડક પગલાં લેવાશે?

સાલેમ: તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વવાળી ડિંડીગુલ ડ્રેગન્સ (ડીડી) નામની ટીમના ખેલાડીઓએ બૉલ સાથે ચેડાં કર્યા હોવાનો હરીફ ટીમ મદુરાઈ પેન્થર્સ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો એમાં અશ્વિન (R. ASHWIN)ની ટીમને આયોજકો તરફથી ક્લીન ચિટ મળી ગઈ છે, પરંતુ હવે મદુરાઈ (MADURAI)ની ટીમ પર તવાઇ આવી શકે.

કેવા આક્ષેપો થયા?
વાત એવી છે કે સાલેમમાં ૧૪મી જૂને જે મૅચ રમાઈ એમાં અશ્વિનની ટીમ દ્વારા કોઈક રાસાયણિક પદાર્થ ભેળવેલા ટુવાલ (Towel)થી બૉલ લૂછવામાં આવ્યો હોવાનો આક્ષેપ મદુરાઈની ટીમે કર્યો હતો. આક્ષેપમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બૉલને આ રીતે ટુવાલથી લૂછ્યા બાદ બૉલ અમારી ઇનિંગ્સ દરમ્યાન ખૂબ ખરાબ હાલતમાં હતો જેને લીધે અમારા બૅટ્સમેનોના પર્ફોર્મન્સ પર વિપરીત અસર પડી હતી.

અશ્વિનની ટીમને ક્લીન ચિટ
જોકે ટીએનપીએલના સીઈઓ પ્રસન્ના કાનને તપાસ કર્યા બાદ નિવેદન બહાર પાડ્યું હતું કે ‘ બૉલ સાથે ચેડાં (Ball tampering) થયા હોવાનો કોઈ જ પુરાવો નથી મળ્યો. બીજું, તામિલનાડુ લીગના આયોજકોએ બંને ટીમને એકસરખા ટુવાલ આપ્યા હતા. ત્રીજું, અમ્પાયરો અને મૅચ રેફરીએ આખી મૅચમાં બૉલની સ્થિતિ પર સતત ધ્યાન આપ્યું હતું અને મૅચ દરમ્યાન તેમને બૉલ સાથે ચેડાં થયા હોવાનું કંઈ જ ધ્યાનમાં નહોતું આવ્યું. બીજી રીતે કહીએ તો અમ્પાયર્સ અને મૅચ રેફરીને કોઈ જ સાબિતી નહોતી મળી.’ મદુરાઈની ટીમનો આક્ષેપ માત્ર એક અટકળ છે એવું કહીને કાનને ઉમેર્યું હતું કે ‘ જો મદુરાઈની ટીમ પાસે હજી પણ કોઈ પુરાવા હોય તો તેઓ તપાસ પંચને પહોંચાડી શકે છે.’

દંડ અથવા પ્રતિબંધ
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ જો મદુરાઈની ટીમ અશ્વિનની ટીમ વિરુદ્ધમાં કરેલા આક્ષેપ વિશે કોઈ નક્કર પુરાવા નહીં આપી શકે તો ટીએનપીએલની આચાર સંહિતા મુજબ મદુરાઈની ટીમને દંડ અથવા પ્રતિબંધની સજા થઈ શકે. કાનને એવું પણ જણાવ્યું હતું કે મદુરાઈની ટીમે ડીડી સામેની મૅચના 24 કલાક બાદ ફરિયાદ કરી હતી જે આ સ્પર્ધાની આચાર સંહિતાની વિરુદ્ધમાં છે.

મૅચનું શું પરિણામ આવ્યું?
14 મી જૂનની મૅચ આર. અશ્વિનના નેતૃત્વમાં ડિંડીગુલ ડ્રેગન્સે 45 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. મદુરાઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 150 રન કરી શકી હતી. આર. અશ્વિનને એક પણ વિકેટ નહોતી મળી. જોકે ડિંડીગુલની ટીમે કેપ્ટન અને ઓપનર આર. અશ્વિન (49 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) તથા શિવમ સિંહ (83 અણનમ, 41 બૉલ, 6 સિક્સર, 8 ફોર) વચ્ચેની 124 રનની ભાગીદારી બાદ (12.3 ઓવરમાં) 151/1ના સ્કોર સાથે જીતી લીધી હતી.

આપણ વાંચો : અશ્વિનને અમ્પાયર સામે ગુસ્સો કરવાનું, બૅટ પછાડવાનું મોંઘુ પડ્યું, જાણો કેવી રીતે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button