સ્પોર્ટસ

એશિયાના ટચૂકડા દેશની મોટી સિદ્ધિઃ પિતા-પુત્રએ એક જ મૅચમાં રમીને કર્યો વિક્રમ…

બાલીઃ તિમોર-લેસ્ટ (Timor-Leste) નામના એશિયાના ટચૂકડા દેશના બે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઇતિહાસ (New history) સર્જ્યો હતો. 50 વર્ષના સુહેલ સત્તાર અને 17 વર્ષનો યાહ્યા સુહેલ એવા બે ક્રિકેટર છે જેમણે ઇતિહાસમાં પોતાનું નામ અનોખા વિક્રમજનક પ્લેયર તરીકે લખાવી દીધું છે.

સુહેલ સત્તાર પિતા છે અને યાહ્યા તેમનો પુત્ર છે. આ બન્ને ક્રિકેટર બાલી (Bali)માં એક જ ઇન્ટરનૅશનલ મૅચમાં રમ્યા એટલે નવો વર્લ્ડ રેકૉર્ડ તેમના નામે લખાઈ ગયો. એક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં પિતા-પુત્ર રમ્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે. એટલું જ નહીં, તેમણે સાથે બૅટિંગ કરી હતી. સુહેલ સત્તારે 15 બૉલમાં એક સિક્સરની મદદથી 14 રન કર્યા હતા અને યાહ્યા પોતાના ફક્ત એક જ રનના સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો.

જોકે 10મી ઓવરમાં યાહ્યા રનઆઉટ થયો એ પહેલાં થોડી વાર સુધી તેને પિતા સુહેલ સાથે બૅટિંગ કરવા મળી હતી. તિમોર-લેસ્ટની ટીમ ફક્ત 61 રન કરી શકી હતી જેમાં સુહેલના 14 રન હાઇએસ્ટ હતા. પછીથી ઇન્ડોનેશિયાની ટીમે વિના વિકેટે 62 રન કરીને વિજય મેળવી લીધો હતો. એ 62 રનમાં ધર્મા કેસુમા નામના બૅટરના 23 રન સામેલ હતા.

તિમોર-લેસ્ટ દેશ વિશે જાણો છો?

તિમોર-લેસ્ટ એશિયાનો ટચૂકડો દેશ છે. આ ટાપુ જેવો દેશ દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલો છે. એનો વિસ્તાર 14,950 સ્ક્વેર કિલોમીટર છે. એની પશ્ચિમે ઇન્ડાનેશિયા અને દક્ષિણે ઑસ્ટ્રેલિયા આવેલું છે. આ નાના દેશમાં વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભાષાના લોકો વસે છે. 1975ની સાલ સુધી આ દેશ પર પોર્ટુગીઝોનું રાજ હતું. ડિલી આ દેશનું પાટનગર છે. આ દેશમાં 99.53 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ દેશની વસતી આશરે 14 લાખ છે.

મહિલા ક્રિકેટમાં માતા-પુત્રી ભેગાં રમી ચૂક્યાં છે

ક્રિકેટમાં પૅરેન્ટ અને તેમના સંતાને એક જ આંતરરાષ્ટ્રીય મૅચમાં રમવાની સિદ્ધિ મેળવી હોવાનું આ પહેલાં પણ બની ચૂક્યું છે. જોકે એ મહિલા ક્રિકેટમાં બન્યું હતું. આ વર્ષમાં જ સ્વિટ્ઝરલૅન્ડની ટીમમાં 45 વર્ષનાં મેટી ફર્નાન્ડિઝ અને તેમની 17 વર્ષીય દીકરી નૈના મેટી સાજુનો સમાવેશ હતો અને માતા-પુત્રીની આ જોડી છ ટી-20 રમી હતી. આ માતા-પુત્રી બન્ને પેસ બોલર છે.

ચંદરપૉલ પિતા-પુત્ર ભેગા રમ્યા છે

ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝનો બૅટિંગ-લેજન્ડ શિવનારાયણ ચંદરપૉલ અને તેનો પુત્ર તેજનારાયણ ચંદરપૉલ 11 ફર્સ્ટ-ક્લાસ મૅચ ભેગા રમી ચૂક્યા છે. એક મૅચમાં શિવનારાયણ કૅપ્ટન હતો અને તેજનારાયણ તેના નેતૃત્વમાં રમ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button