Tim Southee એ બનાવ્યા ભારતીય ટીમ કરતાં વધારે રન, હવે મેચ બચાવવા કરવો પડશે સંઘર્ષ

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સતત રન બનાવ્યા. કિવી ટીમના પૂંછડીયા બેટ્સમેન ટીમ સાઉથીએ નીચલા ક્રમે આવીને ભારતીય ટીમ કરતાં વધારે રન બનાવ્યા. બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ધૂરંધરોએ કરેલી કંગાળ બેટિંગ ક્યાંક ભારે પડી શકે છે. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકેટ ગુમાવીને 116 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 52 રન અન જયસ્વાલ 35 રન બનાવી આઉટ થયા હતા. વિરાટ કોહલી 14 રન અને સરફરાઝ ખાન 13 રન બનાવી રમતમાં છે. ભારત ન્યૂઝીલેન્ડથી હજુ 240 રન પાછળ છે.
ભારત પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં ખખડી ગયું હતું. જે પિચ પર ભારતના બેટ્સમેનોએ માત્ર 46 રન બનાવ્યા ત્યાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 402 રનનો સ્કોર ખડકી દીધો હતો. એટલે કે પ્રથમ ઈનિંગના આધારે 356 રનની લીડ લઈ લીધી. હવે ભારતીય ટીમે મેચ બચાવવા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
પ્રથમ ઈનિંગમાં ભારતના માત્ર બે બેટ્સમેન ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ બે આંકડામાં પહોંચી શક્યા હતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી. રચિન રવીન્દ્રએ 134 રન બનાવ્યા, જ્યારે કોન્વેએ પણ 91 રનનું યોગદાન આપ્યું હતું. પૂર્વ કેપ્ટન ટિમ સાઉથીએ નવમા ક્રમે ઉતરીને ધમારેદાર બેટિંગ કરી. સાઉથીએ માત્ર 73 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. એટલે કે તેણે એકલાએ ભારતીય ટીમથી વધારે રન બનાવ્યા.
આ મેચમાં સૌથી મોટી ભૂલ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસના સમયે કહી. તે પિચ પારખવામાં થાપ ખાઈ ગયો અને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો. જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે વાદળછાયું અને ભેજવાળુ વાતાવરણ હતું અને પિચ ફાસ્ટ બોલરોને મદદગાર હતી. જેનો ફાયદો મેટ હેનરી, ટીમ સાઉથી અને વિલિયમ ઓરોર્કોએ ઉઠાવ્યા. આ ત્રણેયે ભારતને સસ્તામાં સમેટવામાં જરા પણ વાર કરી નહોતી.
ભારતની પ્લેઇંગ 11: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: ટોમ લાથમ, ડેવોન કોન્વે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરિમ મિચેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલીપ્સ, મેટ હેનરી, ટીમ સાઉથી, એઝાઝ પટેલ, વિલિયમ ઓરોર્કે