તિલક વર્માએ તાબડતોબ વૃષણની શસ્ત્રક્રિયા કરાવી, આ બીમારી વિશે જાણીએ…

મુંબઈઃ ગયા વર્ષે 28મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામેની એશિયા કપની ફાઇનલમાં 53 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ 69 રન કરીને ભારતને રોમાંચક વિજય અપાવનાર મિડલ-ઑર્ડર બૅટ્સમૅન તિલક વર્માએ ગુરુવારે રાજકોટમાં તાબડતોબ જેની સર્જરી કરાવવી પડી એ બીમારી વિશેની વિગતો જાણવાલાયક છે તેમ જ તિલક વર્માની આ બીમારી કેટલી ગંભીર છે અને તે આવનારા દિવસોમાં કેટલું નહીં રમી શકે એની જાણકારી પર પણ એક નજર કરીએ.
23 વર્ષની ઉંમરના મૂળ હૈદરાબાદના તિલકે વૃષણની સર્જરી કરાવી છે. અંડકોષની બીમારી સામાન્ય રીતે યુવા વર્ગમાં થાય છે અને મોટા ભાગે પચીસ વર્ષથી નીચેની વયના પુરુષોએ ઑપરેશન કરાવવું પડે એટલી હદે તેમને અંડકોષમાં તેમ જ પેટમાં દુખાવો થાય છે.
આ પણ વાંચો : એક બીમારીને લીધે મારો જીવ ગયો હોતઃ તિલક વર્મા…
ટેસ્ટિક્યૂલર ટૉર્સિયન (TESTICULAR TORSION)ની બીમારીને લીધે તિલક (Tilak Verma) હાલમાં ટીમની બહાર થઈ ગયો છે. તે ન્યૂ ઝીલૅન્ડ સામેની આગામી (11-18 જાન્યુઆરી) વન-ડે સિરીઝ પૂરી થયા બાદ 21મી જાન્યુઆરીએ શરૂ થનારી ટી-20 શ્રેણીમાં મોટા ભાગે નહીં રમે અને ત્યાર બાદ ફેબ્રુઆરીમાં અમેરિકા સામેની ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં પણ કદાચ નહીં રમે.
લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન તિલકને ગુરુવારે અચાનક પેટમાં દુખાવો શરૂ થયો હતો અને તબીબી ચકાસણીમાં ડૉક્ટરે તેને વૃષણની તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. અંડકોષની બીમારીમાં દર્દીએ ભવિષ્યમાં ફરી તકલીફ ન થાય એ માટે બેથી ચાર અઠવાડિયા પૂરો આરામ કરવો પડે છે. આ પ્રકારની બીમારીમાં અંડકોષની એક બાજુમાં અચાનક તીવ્ર દુખાવો શરૂ થાય છે. અંડકોષનું કદ લગભગ એકસમાન હોવું જોઈએ. જો એક તરફના અંડકોષનું કદ બીજી બાજુના અંડકોષ કરતાં ઓચિંતુ વધી જાય તો આ સમસ્યા થઈ શકે. અંડકોષના રંગમાં ફેરફાર થાય (લાલાશ પડતું થઈ જાય) તો પણ આ સમસ્યા થઈ શકે જેમાં પેટમાં અસહ્ય દુખાવો થાય છે.



