સ્પોર્ટસ

IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!

તિલક વર્મા મૅન ઑફ ધ મૅચનો અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો

જોહનિસબર્ગ: સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે શુક્રવારે રાત્રે અહીં સાઉથ આફ્રિકાને ચોથી અને છેલ્લી ટી-20 મૅચમાં 135 રનથી હરાવીને સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત અને ભારતીય ખેલાડીઓએ મળીને આ મૅચમાં આઠ નવા મોટા વિક્રમ રચ્યા હતા. ભારતે 2024ના વર્ષમાં પોતાની છેલ્લી ટી-20 મૅચ અને આ ફૉર્મેટની શ્રેણી જીતી લીધી છે. તિલક વર્મા (120 અણનમ, 47 બૉલ, દસ સિક્સર, નવ ફોર), સંજુ સૅમસન (109 અણનમ, 56 બૉલ, નવ સિક્સર, છ ફોર) અને અર્શદીપ સિંહ (3-0-20-3) આ છેલ્લી મૅચના તેમ જ સિરીઝના ત્રણ હીરો હતા. મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ, આ બન્ને અવૉર્ડ તિલક વર્માએ લીધા હતા.


Also read: દેવ દિવાળી પર સંજુ સેમસન અને તિલક વર્માની આતશબાજી, ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યો તોતિંગ સ્કોર…


ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં માત્ર એક વિકેટે 283 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ જવાબમાં 18.2 ઓવરમાં 148 રનનો સ્કોર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો 283/1નો સ્કોર ટી-20માં પોતાનો બીજા નંબરનો હાઈએસ્ટ સ્કોર છે. ગયા મહિને હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે છ વિકેટે 297 રન બનાવ્યા હતા જે મોટા દેશો વચ્ચેની ક્રિકેટમાં વિશ્વવિક્રમ છે.

ભારતની શુક્રવારની ઇનિંગ્સમાં તિલક-સૅમસન વચ્ચે બીજી વિકેટ માટે 210 રનની વિક્રમજનક અતૂટ ભાગીદારી થઈ હતી. ભારતના 283 રનમાં ઓપનર અભિષેક શર્મા (36 રન, 18 બૉલ, ચાર સિક્સર, બે ફોર)નું પણ મહત્વનું યોગદાન હતું. તેણે સૅમસન સાથે 73 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. સાઉથ આફ્રિકાના 148 રનમાં સૌથી ડેન્જરસ બૅટર ટ્રિસ્ટેન સ્ટબસના 43 રન, ડેવિડ મિલરના 36 રન અને માર્કો યેનસેનના અણનમ 29 રન સામેલ હતા. સ્ટબ્સની વિકેટ રવિ બિશ્નોઈએ અને મિલરની વિકેટ વરુણ ચક્રવર્તીએ લીધી હતી.


Also read: વિરાટ, સરફરાઝ પછી હવે કેએલ રાહુલને પણ ઈજા, ટીમ ઇન્ડિયાએ ચિંતામાં મૂકી દીધા…


આ મૅચમાં અર્શદીપે ત્રણ ઉપરાંત વરુણ અને અક્ષર પટેલે બે-બે વિકેટ તેમ જ હાર્દિક, બિશ્નોઈ, રમણદીપ સિંહે એક-એક વિકેટ લીધી હતી. સિપમલાની 10મી વિકેટ રમણદીપે લીધી હતી અને રમણદીપની કરીઅરની એ સૌપ્રથમ વિકેટ હતી.


ભારતના નામે લખાયા ટી-20 ક્રિકેટના આઠ મોટા વિક્રમ

(1) મોટા ક્રિકેટ-રાષ્ટ્રો વચ્ચેની એક મૅચમાં એક જ ટીમના બે બૅટરે સેન્ચુરી ફટકારી હોય એવું પહેલી જ વખત બન્યું છે. તિલક વર્મા (120 અણનમ) અને સંજુ સૅમસન (109 અણનમ).

(2) ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત ત્રીજી વખત 250-પ્લસનો સ્કોર નોંધાવવામાં સફળ થયું છે. મોટા ક્રિકેટ-દેશોમાં આ નવો વર્લ્ડ રેકોર્ડ છે: બાંગ્લાદેશ સામે 297/6, સાઉથ આફ્રિકા સામે 283/1 અને શ્રીલંકા સામે 260/5. ભારતે આ ત્રણેય મૅચ જીતી લીધી હતી.

(3) સમગ્ર ટી-20 ફોર્મેટમાં ત્રણ વખત 250-પ્લસનો સ્કોર નોંધાવનાર ભારત ત્રીજી ટીમ છે. અન્ય બે ટીમમાં ઇંગ્લેન્ડની સરે કાઉન્ટી ટીમ અને આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો સમાવેશ છે. જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના નામે વર્લ્ડ રેકોર્ડ છે.

(4) તિલક અને સૅમસન વચ્ચેની બીજી વિકેટ માટેની અણનમ 210 રનની ભાગીદારી ટી-20માં ભારત વતી બનેલી સૌપ્રથમ ડબલ સેન્ચુરી પાર્ટનરશિપ છે. તેમણે રોહિત-રિન્કુ વચ્ચેની 190 રનની અફઘાનિસ્તાન સામેની અણનમ ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો છે.

(5) મેન્સ ટી-20 ઇન્ટરનેશનલમાં પહેલી જ વખત બીજી વિકેટ માટે 200-પ્લસની ભાગીદારી થઈ છે.

(6) ભારતની 23 સિક્સર ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી હાઈએસ્ટ સિક્સર છે.

(7) ટીમ ઇન્ડિયાએ મિડલ ઓવર્સ (7-16)માં કુલ 157 રન બનાવ્યા હતા. પુરુષોની ટી-20 ફોર્મેટમાં આ નવો વિક્રમ છે. ટીમ ઇન્ડિયાએ પંજાબના બેંગ્લૂરુ સામેના 155 રનનો રેકૉર્ડ તોડ્યો છે.

(8) ટી-20 મૅચમાં માત્ર એક વિકેટના ભોગે 250 રન બનાવવાનો નવો વિક્રમ ભારતના નામે લખાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button