બાંગ્લાદેશી સુપરફૅન ટાઇગર રૉબીએ પહેલાં મારપીટનો આક્ષેપ કર્યો અને હૉસ્પિટલમાંથી કહ્યું ‘હું બીમાર પડી ગયો’
કાનપુર: અહીંના ગ્રીન પાર્કમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના વિઘ્નોને કારણે ટૂંકો થવા ઉપરાંત મોટા ભાગે નીરસ હતો, પરંતુ લંચ પહેલાંની એક ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો. સ્ટેડિયમમાં આ મૅચ જોઈ રહેલા અને બાંગ્લાદેશના ખેલાડીઓને પાનો ચઢાવી રહેલા ટાઇગર રૉબી નામના બાંગ્લાદેશી ટીમના સુપરફૅનને ‘બીમાર’ પડી ગયા પછી હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ યુવા ક્રિકેટપ્રેમીએ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપતા કહ્યું હતું કે ‘મારો ઝઘડો થયો હતો જેમાં મને પેટમાં મુક્કો મારવામાં આવ્યો હતો.’ જોકે પછીથી હૉસ્પિટલના બેડ પરથી તેણે પ્રતિક્રિયામાં કહ્યું, ‘હું થોડો બીમાર પડી ગયો અને મને સ્થાનિક પોલીસની ઘણી મદદ મળી હતી.’
આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ મૅચમાં વરસાદને લીધે રમત વહેલી સમેટાઈ, શનિવારે પણ વરસાદની આગાહી…
વાઘ બાંગ્લાદેશ ટીમનું પ્રતીક છે અને ટાઇગર રૉબી નામનો આ યુવાન ઘણી વાર વાઘ જેવા વેશમાં તેના દેશની મૅચ જોવા દેશ-વિદેશના સ્ટેડિયમમાં પહોંચી જતો હોય છે. શુક્રવારે તે કાનપુરમાં ગ્રીન પાર્કના સ્ટૅન્ડ-સીમાં ઊભો હતો. કલ્યાણપુર વિભાગના એસીપી અભિષેક પાન્ડેએ પીટીઆઇને કહ્યું હતું કે ‘રૉબીને તાત્કાલિક તબીબી સારવાર અપાઈ હતી. અગાઉ કેટલાક અહેવાલોમાં કહેવાયું હતું કે તેની મારપીટ થઈ હતી, પરંતુ એવું કંઈ જ નહોતું બન્યું. તે અચાનક બીમાર પડી ગયો હતો.’
ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના એક અધિકારીએ કહ્યું કે ‘તે સ્ટૅન્ડની બહાર લાવવામાં આવ્યો ત્યારે મૂર્છિત અવસ્થામાં હતો. અમે તેને બેસવા માટે ખુરસી લાવી આપી હતી, પણ તે સંતુલન ગુમાવતાં નીચે પડી ગયો હતો.’
અગાઉ કેટલાક અહેવાલ મુજબ રૉબીએ એવો આક્ષેપ કર્યો હતો કે 15 જેટલા લોકોએ તેની મારપીટ કરી હતી. જોકે ઉત્તર પ્રદેશ પોલીસે આક્ષેપ નકારતાં કહ્યું કે ‘તે ડીહાઇડ્રેશનને લીધે નીચે ફસડાઈ પડ્યો હતો. કોઈએ તેને નહોતો માર્યો.’
એ પહેલાંના એક અહેવાલ મુજબ રૉબીએ આક્ષેપમાં કહ્યું હતું કે ‘બાલ્કનીમાં હું એકલો ઊભો હતો. સલામતીના કોઈ કારણસર પ્રેક્ષકો માટે એ બાલ્કની બંધ કરાઈ હતી. એક પોલીસે મને બાલ્કનીમાંથી નીચે આવી જવા કહ્યું, પરંતુ હું ડરતો હતો. સવારથી કેટલાક લોકો મને ગાળ આપતા હતા. મેં બૉલીવૂડની ફિલ્મો જોઈ છે એટલે તેમના અપશબ્દોથી હું વાકેફ હતો. શું પોતાના દેશની ટીમને સપોર્ટ કરવો ગુનો છે?’
જોકે એક અહેવાલમાં સામો આક્ષેપ કરાયો હતો કે ટાઇગર રૉબી કથિત રીતે ભારત-વિરોધી સૂત્રો પોકારી રહ્યો હતો તેમ જ ભારતને બાંગ્લાદેશનું દુશ્મન ગણાવતો હતો તેમ જ બીસીસીઆઇ અને આઇસીસી વિશે પણ અજુગતું બોલી રહ્યો હતો.