સ્પોર્ટસ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટ્રાયેન્ગ્યૂલરમાં બબાલઃ ત્રણ પાકિસ્તાની ખેલાડીને ગેરવર્તન બદલ દંડ

કરાચીઃ પાકિસ્તાને બુધવારે એક તરફ ઘરઆંગણાની વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં પોતાના સૌથી મોટા રન-ચેઝ સાથે સાઉથ આફ્રિકાને હરાવીને શુક્રવાર, 14મી ફેબ્રુઆરીની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો લીધો હતો, પરંતુ પછીથી આ વિજેતા ટીમ એના ત્રણ ખેલાડીઓને કારણે મુસીબતમાં મુકાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી તેમ જ સઉદ શકીલ અને કામરાન ગુલામને ગેરવર્તન કરીને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.

સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે 352 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને 49 ઓવરમાં ચાર વિકેટના ભોગે 355 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 28મી ઓવરમાં શાહીન શાહ આફ્રિદીનો સાઉથ આફ્રિકાના બૅટર મૅથ્યૂ બ્રિત્ઝકી સાથે ઝઘડો થયો હતો. પાંચમા બૉલ પર આફ્રિદીએ બ્રિત્ઝકીને કંઈક કહ્યું હતું જેને પગલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. છેલ્લા બૉલ પર બ્રિત્ઝકી રન દોડતી વખતે આફ્રિદી સાથે ટકરાયો હતો. આફ્રિદીએ જાણી જોઈને તેને રન લેતો રોક્યો હતો જેને પગલે બન્ને વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આફ્રિદીએ તેને ધક્કો પણ માર્યો હતો. અમ્પાયરે બન્ને છોડાવ્યા હતા. જોકે આફ્રિદીને આઇસીસીના નિયમ 2.12 મુજબ મૅચ ફીના પચીસ ટકા હિસ્સાનો દંડ ફટકાર્યો હતો.

બીજી ઘટનામાં 29મી ઓવરમાં સાઉથ આફ્રિકાનો સુકાની ટેમ્બા બવુમા રનઆઉટ થયો હતો જેને પગલે બવુમા પાસે પહોંચી જઈને સઉદ શકીલ અને કામરાન ગુલામ તેને ઉશ્કેરવા તેની વિકેટની ઉજવણી કરવા લાગ્યા હતા. આ દેખીતા ગેરવર્તન બદલ શકીલ અને કામરાનને 10-10 ટકા મૅચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમને આઇસીસીની 2.5 નંબરની કલમ લાગુ પાડવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button