આવતા 10 વર્ષમાં આ ત્રણ મહિલા ક્રિકેટરોના અસરદાર પર્ફોર્મન્સ જોવા મળી શકે…

નવી દિલ્હીઃ આવતી કાલે (8મી માર્ચે) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અસંખ્ય ભારતીય મહિલા ક્રિકેટરો અને ઍથ્લીટોના પર્ફોર્મન્સને તેમ જ સિદ્ધિઓને યાદ કરવામાં આવશે અને બિરદાવવામાં આવશે, પરંતુ અહીં આપણે એવી ત્રણ ભારતીય ક્રિકેટરની વાત કરવાની છે જેમના ભાવિ પર્ફોર્મન્સીસ આવતા 10 વર્ષમાં સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી શકે.
Also read : હવે આ જાણીતો ક્રિકેટર ક્રિકેટ બાદ ગ્લેમરની દુનિયામાં અજમાવશે નસીબ…
ભારતે ક્રિકેટ જગતને ડાયના એદલજી, મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી સહિત ઘણી ખ્યાતનામ ખેલાડીઓ આપી છે. આ ખેલાડીઓએ પોતાની ક્રિકેટ સંબંધિત લાક્ષણિકતાઓ તથા ટૅલન્ટથી સૌને આકર્ષિત કર્યા છે, જ્યારે વર્તમાન ક્રિકેટની વાત કરીએ તો સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર વગેરે ખેલાડીઓ હાલમાં ભારતનું અને મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં પોતાની ટીમનું નામ રોશન કરી રહી છે.
અહીં આપણે એવી ત્રણ આશાસ્પદ ભારતીય ક્રિકેટરની વાત કરવાની છે જેમનું ભાવિ તેમના વર્તમાન પર્ફોર્મન્સની દૃષ્ટિએ ઉજ્જવળ જણાય છે.

(1) રિચા ઘોષઃ 21 વર્ષની વિકેટકીપર-બૅટર રિચા ઘોષ જેવી બહુ ઓછી મહિલા ક્રિકેટરો છે જેઓ પોતાની બે પ્રકારની મોટી જવાબદારીઓથી ક્રિકેટજગતમાં અનેરી પ્રતિભા ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં જન્મેલી રિચા પાંચ વર્ષથી ભારતીય ટીમમાં છે. તેણે 62 ટી-20માં 142.13ના સ્ટ્રાઇક-રેટથી 985 રન બનાવ્યા છે. 31 વન-ડેમાં તેના નામે 690 રન છે. અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપ વિજેતા રિચા છેલ્લા થોડા મહિનાઓમાં ભારતીય ટીમને ઘણી મૅચો જિતાડી ચૂકી છે.

(2) કાશ્વી ગૌતમઃ 21 વર્ષની કાશ્વી ગૌતમ હાલમાં ડબ્લ્યૂપીએલમાં સ્પિન-ઑલરાઉન્ડર તરીકે છવાઈ ગઈ છે. ચંડીગઢમાં જન્મેલી ગુજરાત જાયન્ટ્સની આ સ્ટાર ખેલાડી ડબ્લ્યૂપીએલ-2025માં નવ વિકેટ લઈ ચૂકી છે અને તમામ બોલર્સમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. તે બૅટિંગમાં પણ ઉપયોગી બને છે.

(3) પ્રતિકા રાવલઃ 24 વર્ષની આ સાયકૉલોજીની વિદ્યાર્થીની અને યુવા બૅટરે તાજેતરમાં ભારત વતી ધમાકેદાર કારકિર્દી શરૂ કરી હતી. કરીઅરની પહેલી છ ઇનિંગ્સમાં 444 રન ફટકારી ચૂકેલી પ્રતિકાની 74ની બૅટિંગ-ઍવરેજ છે. આ છ દાવમાં તેની એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સામેલ છે. આ દમદાર શરૂઆતને લીધે તે આવતા 10 વર્ષમાં ઘણી સિદ્ધિઓ મેળવશે એની ક્રિકેટ-નિષ્ણાતોને ખાતરી છે.