સુપર સેટરડે…ભારતના ત્રણ ખેલાડી પહોંચી ગયા હૉંગ કૉંગ બૅડ્મિન્ટનની ફાઇનલમાં | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સુપર સેટરડે…ભારતના ત્રણ ખેલાડી પહોંચી ગયા હૉંગ કૉંગ બૅડ્મિન્ટનની ફાઇનલમાં

હૉંગ કૉંગઃ અહીં બૅડમિન્ટન (Badminton)માં ભારતીય ખેલાડીઓ છવાઈ ગયા છે, કારણકે શનિવારે એક સાથે બે મોટા મુકાબલાઓમાં કુલ ત્રણ ભારતીય ખેલાડીઓએ તાઇપેઈના ખેલાડીઓને સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એમાંથી એક ભારતીય ખેલાડીએ સિંગલ્સની અને બીજા બે પ્લેયરે ડબલ્સની ફાઇનલમાં એન્ટ્રી કરી છે.

હૉંગ કૉંગ (Hong Kong) ઓપન નામની સ્પર્ધા કોઈ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી માટે ખૂબ અગત્યની કહેવાય અને એમાં ભારતનો 23 વર્ષીય લક્ષ્ય સેન (LAKSHYA Sen) ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે સેમિ ફાઇનલમાં તાઇપેઈના ચોઉ ટિએન ચેનને સ્ટ્રેઇટ ગેમમાં 23-21, 22-20થી હરાવી દીધો હતો. લક્ષ્ય સેનની વિશ્વમાં 20મી અને ચોઉની નવમી રૅન્ક છે. જોકે લક્ષ્યએ તેને 56 મિનિટ સુધી ચાલેલી સેમિમાં એક પણ ગેમમાં નહોતો જીતવા દીધો. કૉમનવેલ્થ ગેમ્સના ચૅમ્પિયન અને 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સના બ્રૉન્ઝ મેડલિસ્ટ લક્ષ્યનો સામનો ફાઇનલમાં ચીનના લિ શી ફેન્ગ સામે થશે.

એ પહેલાં, બૅડમિન્ટન જગતમાં નવમી રૅન્ક ધરાવતા સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ડબલ્સની સેમિ ફાઇનલમાં તાઇપેઈના બિન્ગ-વી લિન અને ચેન ચેન્ગ-કુઆનને સ્ટ્રેઇટ ગેમમાં 21-17, 21-15થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વર્તમાન સીઝનમાં આ ભારતીય જોડીએ છ સેમિ ફાઇનલમાં પરાજય જોયા અને છેક હવે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

આ પણ વાંચો…બૅડ્મિન્ટનમાં 65મી રૅન્કના શ્રીકાંતે ચડિયાતા ક્રમના પ્લેયરને જોરદાર લડત આપી અને પછી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button