વેસ્ટ ઈન્ડિઝના આ ટોચના બૅટ્સમૅને અચાનક લઈ લીધી નિવૃત્તિ

કિંગસ્ટન: વેસ્ટ ઈન્ડિઝના 29 વર્ષની ઉંમરના ભૂતપૂર્વ કેપ્ટન અને તાજેતરની આઈપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વતી સેકન્ડ હાઈએસ્ટ રન બનાવનાર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ટી-20 ઇન્ટરનેશનલમાં પૂરને 2,275 રન કર્યા જે વેસ્ટ ઇન્ડીઝના તમામ બૅટ્સમેનોમાં હાઈએસ્ટ છે. ક્રિસ ગેઇલ 1,899 રન સાથે બીજા નંબરે છે. વેસ્ટ ઇન્ડીઝ વતી પૂરન 106 ટી 20 રમ્યો જે તમામ કેરિબિયન બૅટ્સમેનોમાં સૌથી વધુ છે.
કૅરિબિયન સત્તાધિશોની યોજના ખોરવી નાખી
2026ના ટી-20 વર્લ્ડ કપ માટેના પ્લાનમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ સત્તાધીશો પૂરન (NICHOLAS POORAN) પાસે મહત્વની ભૂમિકાની આશા રાખતા હતા ત્યાં જ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી.
પૂરનને એક પણ ટેસ્ટ નહોતી રમવા મળી. જોકે નવી પેઢીના ઘણા કૅરિબિયન ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમવામાં માનતા પણ નથી. પૂરન વેસ્ટ ઇન્ડિઝ વતી માત્ર વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રમ્યો હતો. આ બંને ફોર્મેટમાં થોડા સમય માટે તે વેસ્ટ ઇન્ડિઝનો સુકાની બન્યો હતો.
આઈપીએલ-2025માં 524 રન કર્યા
તાજેતરની આઈપીએલમાં લખનઊની ટીમ વતી સૌથી વધુ 627 રન બનાવનાર મિચલ માર્શ પછી બીજા નંબરે નિકોલસ પૂરનનું નામ હતું. તેણે 14 મૅચમાં 524 રન બનાવ્યા હતા. તેણે 61 વન-ડેમાં 1,983 રન અને 106 ટી-20માં 2,275 રન કર્યા હતા.
પૂરન તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં પોતે જ નહોતો રમ્યો ત્યારે ઘણાને નવાઈ લાગી હતી. 2023ના વન-ડે વર્લ્ડ કપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી વેસ્ટ ઇન્ડીઝની બાદબાકી થઈ ત્યાર પછી પૂરન વન-ડેમાં પણ નથી જોવા મળ્યો.
ગયા વર્ષે નવેમ્બરમાં પૂરન 100મી ટી-20 ઇન્ટરનેશનલ મૅચ રમ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તે હજી બીજી 100 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમી શકે એમ છે. જોકે હવે અચાનક નિવૃત્તિ (RETIREMENT) જાહેર કરીને તેણે ચાહકોને વિચારતા કરી દીધા છે.
ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં રમતો રહેશે
પૂરન આઈપીએલ સહિતની ટી-20 લીગ ટૂર્નામેન્ટો (અમેરિકાની એમએલસી, ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ, યુએઈની આઈએલટી20 તેમ જ કૅરિબિયન પ્રીમિયર લીગ)માં રમતો રહેશે.
ચાહકોનો આભાર માન્યો
નિકોલસ પૂરને સોશિયલ મીડિયા પરની જાહેરાતમાં લખ્યું છે કે ‘ મેં ઘણો લાંબો વિચાર કર્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો. ક્રિકેટની રમત જેને આપણે બધા ખૂબ ચાહીએ છીએ એની આંતરરાષ્ટ્રીય મૅચોમાં મેં ખૂબ આનંદ મેળવ્યો અને અમુક પળો તો હું ક્યારેય નહીં ભૂલું. વેસ્ટ ઈન્ડિઝ વતી રમવાનું મને ગૌરવ મળ્યું એ પણ હું સદા યાદ રાખીશ. મરૂન કલરના ડ્રેસમાં સજ્જ થઈને ગ્રાઉન્ડ પર ઊતરીને વેસ્ટ ઈન્ડિઝના રાષ્ટ્ર ગીતમાં ભાગ લેવાનું તેમ જ વેસ્ટ ઈન્ડિઝ ટીમની કેપ્ટન્સી સંભાળવાનું મને જે ગૌરવ મળ્યું એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. મારા અસંખ્ય ચાહકોને કહેવા માગું છું કે તમે મને જે સતત પ્રેમ આપ્યો, મુશ્કેલ સમયમાં મને જે સાથ આપ્યો અને જે પૅશનથી મારી સાથે આનંદની પળો સેલિબ્રેટ કરી એ હું ક્યારેય નહીં ભૂલું અને એ માટે તમારા સૌનો આભાર. મિત્રો, પરિવારજનો અને ટીમના સાથીઓનો પણ હું મારી આ ભવ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફરમાં સુંદર સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું વેસ્ટ ઈન્ડિઝને તેમ જ એની ટીમને આવનારા વર્ષોની સફળતા માટે શુભેચ્છા આપું છું.’
આપણ વાંચો: નવા નામ સાથે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી, જાણો શું નામ રાખ્યું?
હાઈએસ્ટ સિક્સરનો રેકોર્ડ
પૂરને 2016માં યુએઈમાં પાકિસ્તાન સામે રમીને વેસ્ટ ઇન્ડીઝ વતી ડેબ્યૂ કર્યું હતું. પૂરન માટે 2024નું વર્ષ સર્વશ્રેષ્ઠ સાબિત થયું હતું. તેણે ત્યારે એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ 170 સિક્સર ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો હતો.