
વર્લ્ડ કપ સેમીફાઇનલ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો તે સમયે તેના હાથ પર રહેલા એક ખાસ બેન્ડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડકપની મોટાભાગની મેચોમાં વિરાટે સતત આ બેન્ડ તેના કાંડા પર પહેરી રાખ્યું હતું. સૂર્યકુમાર, સિરાજ, શ્રેયસ ઐય્યરના હાથમાં પણ આ બેન્ડ જોવા મળી રહ્યું છે..ત્યારે આવો જાણીએ કે આખરે આ બેન્ડમાં એવું તે શું ખાસ છે..
આ એક પ્રકારનું ફિટનેસ બેન્ડ છે જેને Whoop નામની સ્ટાર્ટઅપ કંપનીએ વિકસાવ્યું છે. વિલ અહેમદ નામના એક વ્યક્તિ તેના માલિક છે. હાલમાં જ આ કંપનીએ Open AI સાથે પાર્ટનરશીપ કરી છે જેને પગલે બેન્ડમાં CHAT GPT પ્રકારના ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. ઘણીવાર ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લીટ્સ પણ આ બેન્ડનો ઉપયોગ કરતા જોવા મળે છે.
ICC એ લાગુ કરેલા નિયમોનુસાર કોઇપણ ખેલાડી ગ્રાઉન્ડ પર મેચ દરમિયાન કોમ્યુનિકેશન માટેના કોઇપણ સાધનનો ઉપયોગ કરી શકે નહિ, સ્માર્ટ વોચ, મોબાઇલ જેવી વસ્તુઓની પરવાનગી નથી. ત્યારે આ બેન્ડનો ઉપયોગ એટલા માટે ખાસ છે કેમકે બેન્ડમાં કોઇ ડિસ્પ્લે સ્ક્રીન નથી. કોઇ નોટિફિકેશન, મેસેજ, કોલ આવતા નથી. આ બેન્ડ સીધી રીતે ફોન સાથે કનેક્ટેડ નથી. આથી આ બેન્ડ પહેરી રાખવાથી ખેલાડીઓનું ધ્યાન ભટકતું નથી.
આ બેન્ડ કાંડા પર જ ચાર્જ થઇ જાય છે. તેને કાંડા પર 24 કલાક પહેરી રાખી શકાય છે. બેન્ડને ચાર્જ કરવા માટે બેટરી પેક તેની સાથે જ આપવામાં આવે છે. બેટરી પેકને બેન્ડ સાથે એટેચ કરવાનું હોય છે અને એટેચ કર્યા બાદ તરત જ તે ચાર્જ થવા લાગે છે.
બેન્ડમાં ખેલાડીનો ફિટનેસ ડેટા બતાવાય છે. આ બેન્ડના ડેટાને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે તેનો હેલ્થ ડેટા 99 ટકા સચોટ છે. હાર્ટ રેટ, બોડી ટેમ્પરેચર, બ્લડ ઓક્સીજન લેવલ, સ્લીપ ટ્રેકિંગ સહિતનો ઘણો ડેટા આ બેન્ડ એકત્ર કરે છે. આ બેન્ડથી Whoop એપનું એક્સેસ મળે છે જેમાં ફિટનેસને લગતી માહિતી ઉપલબ્ધ થઇ જાય છે.
સૌથી મહત્વનું એ છે કે કોઇપણ ખેલાડી જ્યારે ઇજાગ્રસ્ત હોય ત્યારે બેન્ડના રિકવરી સ્કોર પરથી જાણી શકાય છે કે આગળ રમવા માટે સક્ષમ છે કે નહિ, ખેલાડી દ્વારા હાર્ટ રેટ વેરિએબિલીટી, રેસ્ટિંગ હાર્ટ રેટ, સ્લીપ પર્ફોર્મન્સ અને રેસ્પિરેટરી રેટના આધારે તેમજ ટ્રેનિંગ અને વર્ક આઉટ પરથી પ્લેયર્સના સ્ટેમીનાનો અંદાજ લગાવી તે મુજબની વિગતો બેન્ડ આપે છે. ખેલાડીએ આખો દિવસ ખર્ચેલી એનર્જી અને બીજા દિવસે સવારે તેણે કેટલું રિકવર કર્યું તે બંનેનો ડેટા મળે છે.
આ બેન્ડ લાઇફસ્ટાઇલ કોચનું પણ કામ કરે છે. ખેલાડીના સ્ટ્રેસ લેવલનું મોનિટરીંગ આ બેન્ડ કરી શકે છે. આ બેન્ડ ખાવાપીવાની આદતો, આલ્કોહોલ સહિતની આદતો પરથી નક્કી કરી આપે છે કે ખેલાડીનું શરીર રમત રમવા માટે તૈયાર છે કે નહિ. દાખલા તરીકે તેમાં એક સ્લીપ કોચનું ફીચર છે જે એ દેખાડે છે કે કેટલું અને કેવી રીતે સૂવાથી બોડી બેસ્ટ પરફોર્મ કરી શકે છે. આ અન્ય ટ્રેકરની જેમ ફક્ત એ નથી દેખાડતું કે તમારે કેટલા કલાક સૂવું જોઈએ અને કેટલા કલાક સૂઈ રહ્યા છો. પરંતુ તે દરરોજ તમારા બોડીની જરૂરિયાત પ્રમાણે એ દેખાડે છે કે આજે તમે કેટલા કલાક સૂઈ જશો તો તમારું બોડી 100 ટકા પરફોર્મ કરી શકે છે.
12 મહિનાના સબ્સક્રિપ્શન સાથે આ ફિટનેસ બેન્ડની કુલ કિંમત 239 ડોલર છે. તેમજ તેનો તેનો મંથલી સબ્સ્ક્રિપ્શન ચાર્જ 30 ડોલર છે. જો કે આ બેન્ડ ભારતમાં હાલ ઉપલબ્ધ નથી.