આ રોહિત શર્મા બની ગયો ભારતીય ટીમનો ફીલ્ડિંગ કોચ!
નવી દિલ્હી: વન-ડે ક્રિકેટ ફોર્મેટમાં આગામી 19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે, પરંતુ એ પહેલાં રવિવાર, 12મી જાન્યુઆરીએ શ્રીલંકાના કોલંબો શહેરમાં શારીરિક રીતે અક્ષમ (દિવ્યાંગ) ક્રિકેટરો માટેની ફિઝિકલી ડિસએબ્લડ (પીડી) ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે જે માટેની ભારતની દિવ્યાંગ ટીમના ફીલ્ડિંગ-કોચ તરીકે રોહિત શર્મા નામના ભૂતપૂર્વ ક્રિકેટરની નિયુક્તિ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, ભારતીય કેપ્ટન-ઓપનર અને મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલના પાંચ ટાઇટલ અપાવનાર રાઈટ-હૅન્ડ બૅટર રોહિત શર્મા હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેના નેતૃત્વમાં ગયા વર્ષે જૂનમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. જોકે ત્યાર પછી તેણે બૅટિંગમાં ફોર્મ ગુમાવી દીધું અને ટી-20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ તેની નિવૃત્તિની વાતો થવા લાગી છે.
આપણે અહીં ભારતના દિવ્યાંગ ક્રિકેટરો માટેના જે ફીલ્ડિંગ-કોચ વિશે ચર્ચા કરી રહ્યા છીએ એ 2020ની સાલ સુધી પ્રોફેશનલ ક્રિકેટ રમનાર હરિયાણાના રોહિત શર્મા વિશેની છે.
આ રોહિત શર્માએ 2020ની સાલમાં ગંભીર ઇજાને કારણે ક્રિકેટ રમવાનું છોડી દેવું પડ્યું હતું.
તેણે ત્યાર પછી સાઈડઆર્મ સ્પેશિયાલિસ્ટ તથા ફીલ્ડિંગ-કોચ તરીકેની તાલીમ લીધા બાદ એમાં જ કરીઅર શરૂ કરી હતી. પ્રોફેશનલ ક્રિકેટમાં આ પ્રકારના નિષ્ણાતની ખૂબ જરૂર હોય છે એ વાતને ધ્યાનમાં લઈને તેણે ત્યારે એ નિર્ણય લીધો હતો.
વિક્રાંત રવીન્દ્ર કેની ભારતની દિવ્યાંગ ટીમનો કેપ્ટન અને રવીન્દ્ર સાંટે વાઇસ-કેપ્ટન છે. આ બંને ખેલાડી મુંબઈના છે. આકાશ પાટીલ નામનો પ્લેયર પણ મુંબઈનો છે, જ્યારે કૃણાલ ફણસે મહારાષ્ટ્રનો છે. ભારતીય ટીમમાં રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોના ખેલાડીઓ સામેલ છે.
આ પણ વાંચો…ક્રિકેટ ચાહકો માટે ખુશ ખબર; મોહમ્મદ શમી આ સિરીઝથી ટીમમાં જોડાઈ શકે છે
12મી જાન્યુઆરીએ ભારતની પહેલી મૅચ પાકિસ્તાન સામે રમાશે. બન્ને દેશ વચ્ચે કુલ બે લીગ મુકાબલા થશે. ઇંગ્લૅન્ડ તેમ જ શ્રીલંકાની ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.