સ્પોર્ટસ
બોલ ટેમ્પરિંગના કેસમાં ન્યૂ ઝીલેન્ડનો આ ક્રિકેટર નિર્દોષ જાહેર

વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલેન્ડના ટેસ્ટ બેટ્સમેન હેનરી નિકોલ્સને ન્યૂઝીલેન્ડ ક્રિકેટની આચારસંહિતા અંગેની સુનાવણી બાદ બોલ ટેમ્પરિંગમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે કેન્ટરબરી અને ઓકલેન્ડ વચ્ચેની સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ મેચ બાદ અમ્પાયરો દ્ધારા નિકોલ્સના બોલ ટેમ્પરિંગ અંગેની જાણ કરવામાં આવી હતી. બુધવારે મેચના ત્રીજા દિવસે દર્શાવવામાં આવ્યું હતું કે ફિલ્ડિંગ દરમિયાન છેડછાડ કરતી વખતે નિકોલ્સ તેના હેલ્મેટ પર બોલને ઘસતો હતો.
નિકોલ્સને આચારસંહિતાની કલમ 1.15 હેઠળ જાણ કરવામાં આવી હતી, જે બોલની સ્થિતિ બદલવાથી સંબંધિત છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે રવિવારે જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે નિકોલ્સને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે કેન્ટરબરીની આગામી મેચમાં રમવા માટે મુક્ત છે અને આ મહિનાના અંતમાં ન્યૂઝીલેન્ડની ટીમ સાથે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.