ઑસ્ટ્રેલિયાના આ નવા બોલરે તો વૉર્ન, મૅક્ગિલ, કમિન્સને પણ ઝાંખા પાડી દીધા!
મેલબર્ન: નવા-નવા બોલર ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી જ મૅચમાં કે પ્રથમ સિરીઝમાં જ સફળ થયા હોય એવા ઘણા કિસ્સા છેલ્લા થોડા દિવસમાં બની ગયા. ગયા અઠવાડિયે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર શમાર જોસેફે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની બીજી ટેસ્ટના બીજા દાવમાં ઈજા હોવા છતાં રમીને સાત વિકેટના તરખાટ સાથે કૅરિબિયન ટીમને બ્રિસ્બેનમાં 27 વર્ષ પછીનો ઐતિહાસિક વિજય અપાવ્યો અને એના સેલિબ્રેશનમાં બ્રાયન લારા તથા કાર્લ હૂપર જેવા દિગ્ગજો રડી પડ્યા હતા. એ જ દિવસે હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડના સ્પિનર ટૉમ હાર્ટલીએ ડેબ્યૂ ટેસ્ટના બીજા દાવમાં સાત વિકેટ લઈને ભારતના હાથમાંથી વિજય ઝૂંટવી લીધો હતો. શુક્રવારે વિશાખાપટ્ટનમમાં ઇંગ્લૅન્ડના નવા સ્પિનર શોએબ બશીરે રોહિત શર્મા સહિત કુલ બે વિકેટ લઈને કારકિર્દીને યાદગાર સ્ટાર્ટ આપ્યું હતું અને મેલબર્નમાં પચીસ વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે 17 રનમાં ચાર વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને વિજય અપાવી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી આપી હતી.
બાર્ટલેટે ડેબ્યૂ વન-ડેમાં જ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર તો મેળવ્યો, પણ તેણે ઘણા દિગ્ગજ બોલરોને ડેબ્યૂ પર્ફોર્મન્સની બાબતમાં ઝાંખા પાડી દીધા છે. ઑસ્ટ્રેલિયનોમાં ડેબ્યૂ વન-ડેમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કરનારાઓમાં બાર્ટલેટ બીજા નંબરે છે. ટૉની ડોડેમેઇડ (21 રનમાં પાંચ વિકેટ) મોખરે છે, જ્યારે બાર્લેટ (17 રનમાં ચાર) બીજા નંબર પર છે. શેન વૉર્ને પ્રથમ વન-ડેમાં 40 રનમાં બે વિકેટ, સ્ટુઅર્ટ મૅક્ગિલે 19 રનમાં ચાર વિકેટ અને વર્તમાન કૅપ્ટન પૅટ કમિન્સે 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એ રીતે, પ્રથમ વન-ડેમાં બાર્ટલેટનો પર્ફોર્મન્સ તેમનાથી ચડિયાતો છે.
નવાઈની વાત એ છે કે બાર્ટલેટને આટલી જલદી વન-ડે ડેબ્યૂ કરવા મળશે એ કોઈએ નહોતું ધાર્યું. ખુદ બાર્ટલેટને પણ અપેક્ષા નહોતી, કારણકે તે 17 મહિનાથી ડોમેસ્ટિક વન-ડે રમ્યો જ નહોતો. ખુદ બાર્ટલેટે મૅચ પછી કહ્યું, ‘મને તો લાગે છે કે હું સપનું જોઈ રહ્યો છું કે શું! ઑસ્ટ્રેલિયન ટીમમાં મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ અને પૅટ કમિન્સ જેવા દિગ્ગજો હોવાથી મને આટલું વહેલું રમવા મળશે એવી કોઈ સંભાવના જ નહોતી લાગતી, પણ કોણ જાણે ભાગ્યનો મને સાથ મળ્યો અને મને ડેબ્યૂ કરવા મળ્યું.’
વેસ્ટ ઇન્ડિઝે 231 રન બનાવ્યા હતા જેમાં કીસી કાર્ટીના 88 રન અને રૉસ્ટન ચેઝના 59 રનનો સમાવેશ હતો. બાર્ટલેટની ચાર વિકેટ ઉપરાંત કૅમેરન ગ્રીન અને શૉન અબૉટે બે-બે વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ 38.3 ઓવરમાં બે વિકેટે 232 રન બનાવી લીધા હતા. એમાં વિકેટકીપર જૉશ ઇંગ્લિસનો 65 રનનો, કૅમેરન ગ્રીનનો અણનમ 77 રનનો અને કૅપ્ટન સ્ટીવ સ્મિથનો અણનમ 79 રનનો ફાળો હતો. કૅરિબિયન ટીમના સાત બોલરમાં માત્ર મૅથ્યૂ ફૉર્ડને અને ગુડાકેશ મૉટીને એક-એક વિકેટ મળી હતી.
રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) સિડનીમાં બીજી વન-ડે રમાશે.