આ કારણે ત્રણ-ત્રણ વર્ષ સુધી વામિકાનો ચહેરો નથી દેખાડ્યો, Virat Kohli?
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર અને કિંગ કોહલીના નામે ઓળખાતો વિરાટ કોહલી પોતાની ગેમની સાથે સાથે જ મેદાન પરની ઉટપટાંગ હરકતને કારણે લાઈમલાઈટમાં રહેતો હોય છે. પણ આજે આ વિરાટ કોહલી ચર્ચામાં આવ્યો છે તેની લાડકવાયી દીકરી વામિકાને કારણે.
આજે વામિકાનો જન્મદિવસ છે. વામિકા આજે 11મી જાન્યુઆરીના ત્રણ વર્ષની થઈ ગઈ. જોતજોતામાં વામિકા ત્રણ વર્ષની થઈ ગઈ છે, પણ મજાલ છે કે કોઈએ આજ દિન સુધી વામિકાનો ચહેરો જોયો હોય. વિરાટ અને અનુષ્કા અવારનવાર વામિકા સાથે સ્પોટ થાય છે, પણ તેઓ હંમેશા તેનો ચહેરો છુપાવીને રાખે છે. આ સિવાય કપલ પણ સોશિયલ મીડિયા પર દીકરી સાથેના ફોટો પોસ્ટ કરે છે ત્યારે તેનો ફેસ હાઈડ રાખે છે.
હવે તમને થશે કે ભાઈ આખરે આવું કેમ? પણ તમારી જાણ માટે કે કોહલીએ આનું કારણ વામિકાના જન્મના થોડાક દિવસ બાદ જ શેર કર્યું હતું, જ્યારે વિરાટના ફેને તેને પૂછ્યું હતું કે તમે વામિકાની ઝલક ક્યારે દેખાડશો? ફેનના આ સવાલનો જવાબ આપતા વિરાટે જણાવ્યું હતું કે એક કપલ તરીકે અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે લોકો ત્યાં સુધી સોશિયલ મીડિયા પર અમારા બાળકનો ચહેરો એક્સ્પોઝ નહીં કરીએ જ્યાં સુધી તે સોશિયલ મીડિયા અને પોતાની પસંદગીને નહીં જાણી લે.
અત્રે ઉલ્લેખનીય છે કે 11મી જાન્યુઆરી, 2021માં અનુષ્કા અને વિરાટને ત્યાં વામિકાનો જન્મ થયો હતો અને વિરાટે ખુદ સોશિયલ મીડિયા પર આ ગૂડન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. એટલું જ નહીં પણ તેણે ફેન્સને પ્રાઈવસીનું માન જાળવવાની રિક્વેસ્ટ કરી હતી.
ગેમની વાત કરીએ તો વિરાટ કોહલીને T-20 વર્લ્ડકપ-2022ની સમાપ્તિ બાદ પહેલી વખત ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. જોકે, કોહલી અફઘાનિસ્તાન સામેની T-20 સીરિઝની પહેલી મેચમાં ભાગ નહીં લેશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T-20 સીરિઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાવવાની છે, જ્યારે બીજા મેચ 14મી જાન્યુઆરીના ઈન્દોર ખાતે અને સીરિઝનું સમાપન 17મી જાન્યુઆરીના બેંગ્લોરમાં રમાશે.