સ્પોર્ટસ

12 વખત માથામાં બૉલ વાગ્યો, છેવટે આ ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી દીધી

મેલબર્ન: ઑસ્ટ્રેલિયા (Australia)ના ટેલન્ટેડ ઓપનિંગ બૅટ્સમૅન વિલ પુકોવ્સકી (Will Pucovski)એ માથામાં બૉલ વાગવાની વારંવાર થતી ઈજાથી કંટાળીને છેવટે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

ક્રિકેટરને માથામાં બૉલ વાગવાથી થતી ઈજા કંકશન (Concussion) તરીકે ઓળખાય છે.

27 વર્ષના પુકોવ્સકીને ટૂંકી કારકિર્દીમાં (થોડા-થોડા મહિનાના અંતરે) ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મૅચો દરમ્યાન માથામાં કુલ 12 વખત બૉલ વાગ્યો હતો.

તે હવે ક્રિકેટ નહીં રમે. જોકે તે હવે યુવા ખેલાડીઓને કોચિંગ આપશે તેમ જ કોમેન્ટરી બૉક્સમાંથી પણ ક્રિકેટના મેદાન સાથે જોડાયેલો રહેશે. આ બંને નવા સાહસ માટે તેણે કોન્ટ્રેક્ટ પણ કરી લીધો છે.

ચાર વર્ષ પહેલાં પુકોવ્સકી સિડનીમાં 2021ની સાલમાં ભારત સામે જે ટેસ્ટ રમ્યો હતો એના પહેલા દાવમાં તેણે ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કર્યું હતું અને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની બોલિંગનો હિંમતથી સામનો કર્યો હતો. પુકોવ્સકીએ એ દાવમાં ચાર ફોરની મદદથી 62 રન કર્યા હતા. છેવટે તે 62મા રને નવદીપ સૈનીના બૉલમાં આઉટ થયો હતો. એ મૅચ ડ્રોમાં પરિણમી હતી.

આપણ વાંચો:  પ્રતિષ્ઠિત ટ્રોફીનો વિવાદ: સોહા અલી ખાન નારાજ, સુનીલ ગાવસકર પણ ક્રોધિત…

એ ટેસ્ટમાં અજિંકય રહાણે ભારતનો અને ટિમ પેઈન ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો.

પુકોવ્સકીને માથામાં છેલ્લે માર્ચ 2024માં ઈજા થઈ હતી. શેફીલ્ડ શીલ્ડની એ મૅચમાં તેને હેલ્મેટ પર ફાસ્ટ બોલરનો બૉલ જોરદાર વાગ્યો હતો ત્યાર પછી તે નહોતો રમ્યો.

પુકોવ્સકીએ એક ટેસ્ટ સહિતની ટૂંકી કરીઅરમાં રમેલી કુલ 51 મૅચમાં આઠ સદીની મદદથી 2,700થી વધુ રન કર્યા હતા. એમાં ડબલ સેન્ચુરી પણ સામેલ હતી. તેણે કારકિર્દીમાં કુલ 290 ફોર અને ચાર સિક્સર ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button