ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ

લંડન: ભારતના હાલના ટોચના બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH)ને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પહેલી ત્રણ ટેસ્ટમાં રમવા તો ન મળ્યું, ઊલ્ટાનું હવે તેણે પાછા આવવાનો સમય થઈ ગયો છે. પ્રેક્ટિસ દરમ્યાન હાથમાં ઈજા થવાને કારણે તે પાંચ મૅચની આ સિરીઝની લગભગ બહાર થઈ ગયો છે. તેના સ્થાને ચીફ સિલેક્ટર અજિત આગરકરે યુવાન પેસ બોલર અંશુલ કંબોજ (Anshul Kamboj)ને કવર તરીકે ટીમ ઇન્ડિયાના સ્ક્વૉડમાં સમાવ્યો છે.
અર્શદીપે હાથમાં ટાંકા લેવા પડ્યા
ગુરુવારે નેટ-પ્રેક્ટિસ દરમ્યાન સાઈ સુદર્શનના એક શૉટમાં અર્શદીપ બૉલ અટકાવવા ગયો ત્યારે તેને હાથમાં ઇજા થઈ હતી. તેના હાથમાં કાપો પડી ગયો છે અને તેણે ટાંકા લેવા પડ્યા છે. ડૉક્ટરે અર્શદીપને 10 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. પરિણામે, તે હવે સિરીઝમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયો છે.
ભારતની છેલ્લી બે ટેસ્ટ ક્યારે?
ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટ (આઠ દિવસના બ્રેક બાદ) બુધવાર, 23 જુલાઈથી મૅન્ચેસ્ટરમાં શરૂ થશે અને ત્યાર બાદ છેલ્લી ટેસ્ટ (Test) 31 જુલાઈથી લંડનના ઓવલમાં રમાશે.
ભારતનું પેસ આક્રમણ નબળું પડ્યું
બ્રિટિશરો સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત 1-2થી પાછળ છે. જસપ્રીત બુમરાહ વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે ત્રણમાંથી એક ટેસ્ટ મૅચ નથી રમ્યો. હવે બાકીની બેમાંથી કઈ ટેસ્ટમાં તે રમશે એ હજી નક્કી નથી. આકાશ દીપને ત્રીજી ટેસ્ટ દરમ્યાન પગના સ્નાયુઓ ખેંચાઈ જવાની તકલીફ થઈ હતી. એ જોતાં, તે પણ પૂરેપૂરો ફિટ નથી. મૅન્ચેસ્ટર આવતાં પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં આકાશ દીપે બોલિંગ નહોતી કરી. રિઝર્વ પ્લેયર્સમાં રાખવામાં આવેલા અર્શદીપ સિંહને ઈજાને કારણે સ્પર્ધાની લગભગ બહાર થઈ જવું પડી રહ્યું છે.
આપણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો
અંશુલ કંબોજની જ પસંદગી શા માટે?
ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ પ્રવાસ શરૂ થયો એ પહેલાં અંશુલે ઇન્ડિયા ‘એ’ ટીમ વતી સારું પર્ફોર્મ કર્યું હતું. તેણે બે મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે 24 ફર્સ્ટ ક્લાસ મૅચમાં કુલ 79 વિકેટ લીધી છે. 3.10 તેનો ઇકોનોમી રેટ છે. ગઈ રણજી ટ્રોફી સીઝનમાં તેણે સારું પર્ફોર્મ કર્યું હતું. કેરળ સામેની મૅચમાં તેણે અસાધારણ બોલિંગ કરી હતી. એક દાવમાં તમામ 10 વિકેટ લેનાર આ ટૂર્નામેન્ટનો તે ત્રીજો બોલર બન્યો હતો. જોકે આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં સારું રમનાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝના આરંભ પહેલાં 16 ખેલાડીઓના સ્કવૉડમાં સમાવવામાં આવ્યો હતો.