સ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શનમાં આ પાંચ ભારતીય ક્રિકેટરો પર થશે પૈસાનો વરસાદ

મુંબઈઃ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી સીઝન માટે મિનિ હરાજી આજે મુંબઇમાં યોજાવાની છે.આ હરાજીમાં કુલ 30 ખેલાડીઓ પર બોલી લાગશે, જેમાં 9 વિદેશી અને 21 ભારતીય ખેલાડીઓ હોઈ શકે છે. દરમિયાન ભારતના ઘણા યુવા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે.

વૃંદા દિનેશે છેલ્લી બે સીઝનમાં કર્ણાટક માટે શાનદાર બેટિંગ કરી છે. તે આક્રમક બેટિંગ કરવામાં માહિર છે અને તે સતત મોટી ઇનિંગ્સ રમવામાં પણ સક્ષમ છે. આ 22 વર્ષની બેટ્સમેન ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ નથી પરંતુ ભારત-એ ટીમનો ભાગ રહી ચૂકી છે.

વિકેટકીપર બેટ્સમેન ઉમા છેત્રી પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરવા માટે જાણીતી છે. વૃંદાની જેમ છેત્રીએ પણ હોંગકોંગમાં ઇમર્જિંગ ટુર્નામેન્ટની ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષની શરૂઆતમાં છેત્રી ભારતીય ટીમમાં સામેલ થનારી આસામની પ્રથમ ખેલાડી બની હતી. તે ભારતની એશિયન ગેમ્સની ટીમનો પણ ભાગ હતી. રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા જેવા ખેલાડીઓના કારણે ઉમાને ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવું મુશ્કેલ થઈ શકે છે, પરંતુ મહિલા પ્રીમિયર લીગમાં તેના પર મોટો દાવ લાગી શકે છે.

ઝડપી બોલર કાશવી ગૌતમે 2020માં મહિલાઓની સ્થાનિક અંડર-19 ટુનામેન્ટ્સમાં ચંડિગઢ માટે અરુણાચલ પ્રદેશ સામેની વન-ડે મેચમાં હેટ્રિક સહિત દસ વિકેટ ઝડપી હતી. તેના ઊંચા કદના કારણે તેને પિચ પરથી સારો ઉછાળો મળે છે અને આ તેની સૌથી મોટી તાકાત છે. તે ગયા વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં અનસોલ્ડ રહી હતી. કાશવીએ સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે.

લેફ્ટ આર્મ સ્પિનર મન્નત કશ્યપ ગયા વર્ષે સાઉથ આફ્રિકા અંડર-19 સામે ભારત અંડર-19 માટે નોન-સ્ટ્રાઈકર એન્ડમાં દૂર ઊભેલા બેટ્સમેનને રનઆઉટ કરીને ચર્ચામાં આવી હતી. મન્નત ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટી-20 ટીમમાં સ્થાન મેળવ્યું હતું, તે ફેબ્રુઆરીમાં ભારતની મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતી. તે સ્કોટલેન્ડ સામેની તેની પ્રથમ મેચમાં ચાર વિકેટ લઈને ચર્ચામાં આવી હતી.

બોલિંગ ઓલરાઉન્ડર તરીકે શરૂઆત કરનાર ગૌતમી હવે તેની બેટિંગથી ચર્ચામાં રહે છે. તેણે બરોડા માટે યાસ્તિકા ભાટિયા સાથે ઘણી મજબૂત ભાગીદારી બનાવી છે. તે એક એવી ખેલાડી છે જે કોઈપણ પોઝિશન પર રમી શકે છે અને ટીમની જરૂરિયાત મુજબ ઝડપથી રન બનાવવા અને ડિફેન્સ રમવામાં સક્ષમ છે. આ સાથે તે એક ઓફ સ્પિનર પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button