અમ્પાયરને ગાળો આપવાનું ભારે પડ્યું શ્રીલંકન કેપ્ટનને, જાણો આઈસીસીએ શું કર્યું?

દામ્બુલાઃ જેન્ટલમેન ગણાતી ક્રિકેટમાં હવે ક્રિકેટર પણ ગમે ત્યારે સામેની ટીમના ક્રિકેટર કે પછી સાથી ક્રિકેટર સાથે પણ ગેરવર્તણૂક કરતા હોય છે તો ક્યારેક અમ્પાયર પણ ભોગ બનતા હોય છે, જેમાં તાજેતરમાં શ્રી લંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પણ કંઈક એવું થયું હતું કે શ્રીલંકન કેપ્ટને અમ્પાયર સામે ગેરવર્તણૂક કરતા આઈસીસીએ તેની સામે એક્શન લેવાની નોબત આવી હતી. શ્રી લંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની તાજેતરની ત્રણ મેચની ટી- 20 શ્રેણી રમાઈ હતી. આ સીરિઝમાં શ્રી લંકાએ 2-1થી જીત મેળવી હતી.
જોકે, આઇસીસીએ શ્રી લંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન સામેની ટી- 20 શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન હસરંગાએ અમ્પાયર સાથે ખરાબ વર્તન કર્યું હતું અને આ આરોપ બાદ તે દોષિત સાબિત થયો છે.
વાસ્તવમાં અફઘાનિસ્તાન અને શ્રી લંકા વચ્ચે ટી-20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ દામ્બુલામાં રમાઈ હતી. આ મેચ બાદ હસરંગાએ અમ્પાયર લિંડન હૈનિબલને નો બોલ ન આપવા બદલ બોલાચાલી કરી હતી.
આ મામલા બાદ હસરંગાને મેચ ફીના 50 ટકા દંડ અને 3 ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. છેલ્લા 24 મહિનામાં તેના ડીમેરિટ પોઈન્ટ વધીને 5 થઈ ગયા છે. આઇસીસીના નવા નિયમો અનુસાર તેના 5 ડીમેરિટ પોઈન્ટ બે મેચના પ્રતિબંધમાં ફેરવાઈ ગયા છે.
હસરંગા હવે એક ટેસ્ટ મેચ કે બે વનડે કે બે ટી20 મેચ રમી શકશે નહીં. જે પણ મેચ પહેલા રમાશે તેમાંથી તે બહાર થઈ જશે. તેથી હસરંગા આવતા મહિને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી20 મેચમાંથી બહાર થઈ જશે. શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચે 4 માર્ચથી ટી-20 સીરિઝ રમાશે. હસરંગા 4 માર્ચ અને 6 માર્ચે રમાનારી ટી-20 મેચમાં રમી શકે નહીં.