સાઉથ આફ્રિકાના બૅટ્સમૅને લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું માંડી વાળ્યું અને પછી કહ્યું…

બુલવૅયો: ક્રિકેટની રમત ‘ જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે જગવિખ્યાત છે અને ટેસ્ટના નવા વર્લ્ડ ચેમ્પિયન દેશ સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન વિઆન મુલ્ડરે (367 અણનમ, 334 બૉલ, 4 સિક્સર, 49 ફોર) આ મહાન રમતની ખ્યાતિને અને પોતાની ટીમના ચેમ્પિયનપદને છાજે એવો નિર્ણય સોમવારે પાડોશી દેશ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ દરમ્યાન લીધો હતો. વિઆન (Wiaan Mulder)ને વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ બ્રાયન લારાનો અણનમ 400 રનનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાની સુવર્ણ તક હતી, પરંતુ તેણે લારાનો વિશ્વવિક્રમ અકબંધ રાખવાના આશયથી પોતાનો દાવ ડિક્લેર કરીને અસાધારણ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
સાઉથ આફ્રિકાએ પહેલી જુલાઈએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટ 328 રનથી જીતી લીધી હતી. બીજી ટેસ્ટ રવિવારે શરૂ થઈ અને સાઉથ આફ્રિકાએ પહેલો દાવ 5/626ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો જેમાં વિઆનના અણનમ 367 રન સામેલ હતા. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ દાવમાં શૉન વિલિયમ્સના અણનમ 83 રન છતાં માત્ર 170 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા (South Africa)ના નવા ઑફ સ્પિનર પ્રેનેલન સુબ્રયેને સૌથી વધુ ચાર વિકેટ તેમ જ ખુદ વિઆને બે વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા જીતવાની તૈયારીમાં
સાઉથ આફ્રિકાએ 456 રનની સરસાઈ લીધી અને બીજા દાવમાં ફૉલો-ઑન બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર એક વિકેટે 51 રન હતો.
વિઆન હૈદરાબાદ વતી રમ્યો છે
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂકેલો વિઆન મુલ્ડર ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં સાઉથ આફ્રિકાનો કાર્યવાહક સુકાની છે. વિઆને 367 રનના પોતાના સ્કોર પર અટકી જઈને લારા (Brian Lara)નો વિશ્વવિક્રમ ન તોડવાનો જે નિર્ણય લીધો એ વિશે સોમવારની રમત પછી શૉન પોલૉક દ્વારા પૂછવામાં આવતાં કહ્યું હતું કે, ‘ લારા જ 400 રનનો વર્લ્ડ રેકોર્ડ (World Record) જાળવી રાખે એવું હું ઈચ્છતો હતો એટલે મેં મારો દાવ ડિકલેર કરી નાખ્યો હતો. પહેલી વાત એ છે કે અમે પહેલા દાવમાં પૂરતા રન (5/626) કરી લીધા હતા. બીજું, અમારે અમારી બોલિંગ શરૂ કરીને ઝિમ્બાબ્વેને વહેલું ઑલઆઉટ કરવું હતું. ખાસ વાત તો એ છે કે બ્રાયન લારા લેજન્ડ છે અને હું ઈચ્છતો હતો કે 400 રનનો વિશ્વવિક્રમ તેની પાસે જ જળવાઈ રહે.’
લારાના અણનમ 400 કોની સામે હતા?
બ્રાયન લારાએ એપ્રિલ, 2004માં સેન્ટ જોન્સના મેદાન પર ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં 582 બૉલમાં 4 સિક્સર અને 43 ફોરની મદદથી અણનમ 400 રન કર્યા હતા. એ મૅચ છેવટે ડ્રોમાં ગઈ હતી.
કોચની અમૂલ્ય સલાહ પણ વિઆનને ગમી
વિઆને સોમવારે કહ્યું કે, ‘ લારાએ ઇંગ્લૅન્ડ સામે 401 કે જે કંઈ રન કર્યા હતા એ રેકૉર્ડ તેના જેવી મોટી હસ્તીના નામે હોય એ જ ઠીક કહેવાય અને એ ખૂબ સ્પેશિયલ પણ કહેવાય. મને હવે પછી ફરી એ રેકૉર્ડ તોડવાની તક મળશે તો ત્યારે પણ હું અત્યાર જેવો જ નિર્ણય લઈશ. મેં મારા કોચ શુક્રી કોન્રેડ સાથે આ રેકૉર્ડ બાબતમાં ચર્ચા કરી હતી ત્યારે તેમણે પણ મને કહ્યું હતું કે જો, મોટા સ્કોરના વિક્રમ લેજન્ડ ખેલાડીના નામે રહે એ જ યોગ્ય કહેવાય. મને કોચની આ વાત પણ ખૂબ ગમી હતી. મારા નસીબમાં જે લખાયું હશે એ હું કરીને જ રહીશ, પરંતુ 400 રનના આ રેકૉર્ડની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ તો લારાના નામે જ શોભે છે.’
વિઆને અમલાનો રેકૉર્ડ પાર કર્યો
દરમ્યાન, વિઆન મુલ્ડર સાઉથ આફ્રિકાનો એવો બીજો ટેસ્ટ ખેલાડી છે જેણે ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. તે હાશિમ અમલાનો અણનમ 311 રનનો સ્કોર ઓળંગીને 367 રનના સ્કોર પર અણનમ રહ્યો છે.
બુલવૅયો: ક્રિકેટની રમત ‘ જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે જગવિખ્યાત છે અને ટેસ્ટના નવા વર્લ્ડ ચેમ્પિયન દેશ સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન વિઆન મુલ્ડરે (367 અણનમ, 334 બૉલ, 4 સિક્સર, 49 ફોર) આ મહાન રમતની ખ્યાતિને અને પોતાની ટીમના ચેમ્પિયનપદને છાજે એવો નિર્ણય સોમવારે પાડોશી દેશ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ દરમ્યાન લીધો હતો. વિઆન (Wiaan Mulder)ને વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ બ્રાયન લારાનો અણનમ 400 રનનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાની સુવર્ણ તક હતી, પરંતુ તેણે લારાનો વિશ્વવિક્રમ અકબંધ રાખવાના આશયથી પોતાનો દાવ ડિક્લેર કરીને અસાધારણ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો…ભારત સામેની હાર બદલ કોચ મૅકલમે ભૂલ સ્વીકારી, કારણ આપતા કહ્યું કે…