ડબ્લ્યૂપીએલની બીજી સીઝનનો શુક્રવારથી આરંભ
બેન્ગલૂરુ: મહિલાઓ માટેની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનનો શુક્રવાર, 23મી ફેબ્રુઆરીએ આરંભ થશે.
બેન્ગલૂરુમાં શુક્રવારે પ્રથમ મૅચ (રાત્રે 8.00 વાગ્યાથી) ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ગયા વર્ષની રનર-અપ ટીમ દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે.
પાંચ ટીમ વચ્ચેની આ સ્પર્ધામાં શનિવારે બીજી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર-યુપી વૉરિયર્ઝ વચ્ચે તથા રવિવારે ત્રીજી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.
હરમનપ્રીત કૌર મુંબઈની અને મેગ લેનિંગ દિલ્હીની કૅપ્ટન છે. સ્મૃતિ મંધાના બૅન્ગલોરની, અલીઝા હીલી યુપીની અને બેથ મૂની ગુજરાતની કૅપ્ટન છે.
ગયા વર્ષે તમામ મૅચો મુંબઈમાં રમાઈ હતી, પણ આ વખતે બેન્ગલૂરુમાં અને દિલ્હીમાં જ રમાશે.
આ વર્ષે બાંગ્લાદેશમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ડબ્લ્યૂપીએલમાં ચમકીને વિશ્ર્વ કપ માટે દાવેદાર બનવા ખાસ કરીને પાંચ પ્લેયર રેસમાં ઊતરશે. એમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમની એસ. મેઘના, ગુજરાત જાયન્ટ્સની સ્નેહ રાણા, મુંબઈ ઇન્ડિયન્સની યાસ્તિકા ભાટિયા, યુપી વૉરિયર્ઝની કિરણ નવગિરે અને યુપીની જ વૃંદા દિનેશનો સમાવેશ છે. બૅન્ગલોરની શ્રેયંકા પાટીલના પર્ફોર્મન્સ પર પણ સૌની નજર રહેશે.