સ્પોર્ટસ

ઍશિઝ સિરીઝમાં છેલ્લા દિવસે આવી ગયું પરિણામ, ભારે રસાકસી વચ્ચે ઑસ્ટ્રેલિયા…

સિડની: ઑસ્ટ્રેલિયા (Australia)એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે ઇંગ્લૅન્ડને ઍશિઝ (Ashes) સિરીઝની પાંચમી અને છેલ્લી રસાકસીભરી ટેસ્ટમાં પાંચ વિકેટે હરાવીને શ્રેણીની ટ્રોફી પર 4-1થી કબજો કર્યો હતો.

જેકબ બેથેલે બીજા દાવમાં પોતાના 154 રન પર વિકેટ ગુમાવી ત્યાર બાદ ઇંગ્લૅન્ડની ટીમ 342 રનના ફુલ સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાને જીતવા માટે 160 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો.

છેલ્લા દિવસની રોમાંચક પળો

જોકે યજમાન ટીમે સારી શરૂઆત કર્યા પછી 62થી 92 રનના ટોટલ વચ્ચે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 119મા રને ચોથી વિકેટ અને 121 રનના સ્કોર પર પાંચમી વિકેટ પડતાં ઇંગ્લૅન્ડના જીતવાની આશા પ્રબળ થઈ હતી.

કોણે ધબડકો રોક્યો?

વિકેટકીપર ઍલેક્સ કૅરી (16 અણનમ) અને કૅમેરન ગ્રીન (22 અણનમ)ની જોડીએ ધબડકો અટકાવ્યો હતો અને 40 રનની અતૂટ ભાગીદારી સાથે ઑસ્ટ્રેલિયાને રોમાંચક વિજય અપાવ્યો હતો. સિરીઝને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 5/161 હતો.

જૉશ ટન્ગે લીધી ત્રણ વિકેટ

ઇંગ્લૅન્ડના ટેસ્ટ બોલર જૉશ ટન્ગે ત્રણ વિકેટ અને ઓફ સ્પિનર વિલ જેકસે એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમમાં બીજા દાવમાં સૌથી વધુ 37 રન કરનાર માર્નર્સ લાબુશેનને મેથ્યૂ પોટ્સ અને જેમી સ્મિથે રનઆઉટ કર્યો હતો.

કોને ક્યો અવૉર્ડ?

પહેલા દાવમાં ઇંગ્લૅન્ડે 384 રન અને ઑ ઑસ્ટ્રેલિયાએ 567 રન કર્યા હતા. મેચમાં બંને દાવમાં અનુક્રમે 163 અને 29 રન કરનાર ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેના કુલ 629 રન સિરીઝમાં હાઈએસ્ટ હતા. કુલ 31 વિકેટ લેનાર મિચલ સ્ટાર્કને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button