આ બે દિગ્ગજના કંગાળ ફૉર્મની ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતા

મુલ્લાંપુર: તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી વાઈટવૉશ થયા પછી ભારતે વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી અને હવે ટી-20 શ્રેણી પણ જીતીને સાઉથ આફ્રિકનોને નિરાશ હાલતમાં પાછા મોકલવાના છે, પરંતુ શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ના નબળા ફોર્મ અત્યારે ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી બે ચિંતા છે.
ભારતે પાંચ ટી-20ની વર્તમાન સિરીઝની પહેલી બે મૅચમાં અનુક્રમે જીત માણી અને પરાજય પણ જોયો અને આ બન્ને મૅચમાં ગિલ તથા સૂર્યકુમાર સદંતર નિષ્ફ્ળ રહ્યા. ગિલે મંગળવારની પહેલી મૅચમાં માત્ર 5 રન કર્યા અને ગુરુવારની બીજી મૅચમાં પહેલા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. સૂર્યાએ આ બે મૅચમાં અનુક્રમે 12 અને 5 રન કર્યાં હતા. હવે 1-1ની બરાબરીની સ્થિતિમાં ભારતીયોએ બાકીની ત્રણ મૅચોમાં જબરદસ્ત કમબૅક કરવાનું છે. જોકે આઈપીએલમાં અઢળક રન કરવામાં માહિર ગિલ અને સૂર્યા ઇન્ટરનેશનલ ટી-20માં કેમ ફેઈલ થઈ રહ્યા છે એ ચર્ચાનો વિષય છે.

આઈપીએલમાં અઢળક રન, પણ…
2025ની આઈપીએલમાં શુભમન ગિલ (Gill)ના 650 રન તમામ બૅટ્સમેનમાં ચોથા નંબરે અને સૂર્યાના 717 રન બીજા નંબરે હતા. આંતરરાષ્ટ્રીય મૅચોમાં તેઓ (આપણી જ પિચો પર) પાણીમાં બેસી રહ્યા છે.

ગિલના ટી-20 સ્કોર્સ આઘાતજનક
શુભમન ગિલના છેલ્લી 15 ટી-20 ઇન્ટરનેશનલમાં રન આ મુજબ છે: 2, 66, 58, 13, 34, 39, 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46, 29, 4 અને 0.
આઈપીએલ સુપરસ્ટાર સુદર્શન ટીમમાં જ નથી
નવાઈની વાત એ છે કે આ વર્ષની આઈપીએલમાં હાઈએસ્ટ 759 રન કરનાર સાઈ સુદર્શન અત્યારે ભારતની ટી-20 ટીમમાં જ નથી.
અભિષેક પણ નિરાશ કરે છે
બે મહારથી ગિલ-સૂર્યાની નિષ્ફ્ળતાએ ભારતના ટૉપ ઑર્ડરને બગાડી નાખ્યો છે, ચમક-દમક વિનાનો કરી નાખ્યો છે. અધૂરામાં પૂરું, ટી-20નો વર્લ્ડ નંબર બૅટ્સમૅન અભિષેક શર્મા પણ ફ્લૉપ (17 અને 17 રન) જઈ રહ્યો છે.

સૂર્યાનો માત્ર 120.00નો સ્ટ્રાઇક-રેટ
2024માં રોહિત શર્માની ટી-20માંથી નિવૃત્તિ થયા બાદ કેપ્ટન્સીનો ભાર સૂર્યા પર આવ્યો છે અને તે ફ્લૉપ પર ફ્લૉપ ઇનિંગ્સ રમી રહ્યો છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમનો વિનિંગ રેશિયો 80 ટકા જેટલો ઊંચો છે એમ છતાં એક સમયે ભારતને અનોખી બૅટિંગ સ્ટાઈલની કમાલથી ટીમને જિતાડતા સૂર્યાએ છેલ્લી 20 ઇનિંગ્સમાં કુલ માત્ર 227 રન કર્યાં છે અને ફક્ત 120.00 તેનો સ્ટ્રાઇક-રેટ છે જે ટી-20 ફોર્મેટમાં ખરાબ કહેવાય.
સોશ્યલ મીડિયામાં ભારતીય બેટિંગને લઈને ‘ લગાન’ ફિલ્મની તસવીર સાથે મજાક ઉડાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ રકાસઃ છેલ્લી પાંચ વિકેટ નવ બૉલ અને પાંચ રનમાં ગુમાવી



