ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનના હૉકી ખેલાડીઓ ‘રસ્તા પર આવી ગયા!’

કરાચી: ક્રિકેટ અને હૉકી સહિત ખેલફૂદ ક્ષેત્રે પાકિસ્તાન (PAKISTAN)ને મોટી મોટી ડંફાસ મારવાની અને બીજા દેશોના ખેલ બગાડવાની ખરાબ આદત છે, પરંતુ તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનના જ હૉકી (HOCKEY) ખેલાડીઓ સાથે જે બની ગયું એ આખા દેશ માટે આઘાતજનક અને શરમજનક છે. ઑસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પાકિસ્તાનના હૉકી ખેલાડીઓએ થોડા કલાકો રસ્તા પર જ વીતાવવા પડ્યા હતા.
તાજેતરમાં પાકિસ્તાનના હૉકી પ્લેયર્સ ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરા (CANBERRA)માં પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી.
પાકિસ્તાન હૉકી ફેડરેશનનું મેનેજમેન્ટ સમયસર બિલના પેમેન્ટ નહોતું કરી શક્યું એટલે ખેલાડીઓએ શરમજનક હાલત ભોગવવી પડી હતી. આ હૉકી ખેલાડીઓના હોટલના બુકિંગ રદ થઈ ગયા હતા.
પાકિસ્તાનના હૉકી ખેલાડીઓ એફઆઈએચ ટૂર્નામેન્ટ રમવા માટે ઑસ્ટ્રેલિયા ગયા છે. તેઓ કૅનબેરા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ જે હૉટેલમાં રહેવાના હતા એમાં તેમના માટે કોઈ બુકિંગ થયું જ નહોતું, કારણ કે બિલના પેમેન્ટ નહોતા કરવામાં આવ્યા. તેમણે સામાન સાથે રોડ પર આમથી તેમ ભટકવું પડ્યું હતું. પછીથી ઑસ્ટ્રેલિયામાં રહેતા કેટલાક પાકિસ્તાનીઓએ ખેલાડીઓને મદદ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ આર્જેન્ટિનામાં પણ પાકિસ્તાની હૉકી ખેલાડીઓ સાથે આવી ઘટના બની હતી.
કહેવાય છે કે પાકિસ્તાનની હૉકી ટીમના હેડ-કોચ તાહિર ઝમાન ટાઈમ ઝોન અલગ હોવાને કારણે બોર્ડ સાથે વાતચીત નહોતા કરી શક્યા. પરિણામે ખેલાડીઓએ લાંબી મુસાફરી બાદ ઑસ્ટ્રેલિયામાં થોડા કલાક રસ્તા પર વીતાવવા પડ્યા હતા.
અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પછીથી ખેલાડીઓ માટે હૉટેલમાં પૂરતા રૂમ ઉપલબ્ધ નહોતા એટલે એક રૂમમાં બેથી ત્રણ ખેલાડીએ રહેવું પડ્યું હતું. પાકિસ્તાનની ટીમ મૅચ માટે બરાબર તૈયારી નહોતી કરી શકી જેને પરિણામે એણે બીજા દિવસે ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં 2-3થી હાર જોવી પડી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા રમી શકશે? જાણો કેવી છે તેની તબિયત



