ઇન્ટરનેશનલનેશનલસ્પોર્ટસ

પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે

કરાચીઃ એક તરફ ભારતમાં ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રેક્ષકો-દર્શકોને અનેક રોમાંચક મૅચો જોવા મળી છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL) ક્રિકેટ વિશ્વમાં જરાય જાણીતી નથી એવામાં પાકિસ્તાનની જ સરકારે પીએસએલને મુસીબતમાં મૂકી દીધી છે. પીએસએલના પ્રસારણમાં ભારતના જે પણ નિષ્ણાતો અને કર્મચારીઓ (INDIAN CREW) કામ કરી રહ્યા છે તેમને પાકિસ્તાન સરકારે 48 કલાકમાં પાકિસ્તાન છોડી જવાનો આદેશ આપ્યો છે.

વાસ્તવમાં, પાકિસ્તાનમાં જેટલા પણ ભારતીય નાગરિકો છે તેમને બે દિવસમાં પાકિસ્તાનમાંથી જતા રહેવાની સૂચના આપી દેવાઈ છે.

મંગળવારે કાશ્મીરના પહલગામમાં 28 હિન્દુ નાગરિકોનો ભોગ લેનાર આતંકવાદી હુમલો પાકિસ્તાન-પ્રેરિત હોવાથી ભારત સરકાર પાકિસ્તાની નાગરિકોને તગેડી રહ્યું છે એના પ્રત્યાઘાતમાં પાકિસ્તાન સરકારે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ફેનકોડે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યું

નિસ્તેજ પીએસએલમાં છ ટીમ ભાગ લઈ રહી છે જેમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ પ્રથમ સ્થાને, કરાચી કિંગ્સ બીજા સ્થાને અને લાહોર કલન્દર્સ નામની ટીમ ત્રીજા નંબરે છે. આ ટી-20 ટૂર્નામેન્ટની 13 મૅચ થઈ ચૂકી છે અને 18મી મેએ ફાઇનલ રમાશે. આઇપીએલની ફાઇનલ પચીસમી મેએ રમાવાની છે.

પીએસએલના જીવંત પ્રસારણ માટેના પ્રૉડક્શન વિભાગમાં ભારતીય એન્જિનિયરો, પ્રૉડક્શન મૅનેજરો, કૅમેરામેન, પ્લેયર-ટ્રૅકિંગ એક્સપર્ટ્સનો સમાવેશ છે. આ ભારતીય ક્રૂ મેમ્બર્સની હાજરીને લીધે જ પીએસએલનું પ્રસારણ સહજ અને સરળ રીતે થઈ રહ્યું છે, પરંતુ હવે આ ભારતીયો જતા રહેશે એટલે પીએસએલના પ્રસારણને માઠી અસર થઈ શકે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતીયોના પાછા ગયા બાદ તેમના સ્થાને પોતાના દેશના નિષ્ણાતો, કર્મચારીઓ પાસે પ્રસારણનું કામ કરાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button