સ્પોર્ટસ

અશ્ર્વિની અને તનીષાની જોડી સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટનની ફાઇનલમાં હારી

લખનઊ: અશ્ર્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રવિવારે અહીં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર ૩૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત રિન ઇવાનાગા અને કેઇ નાકાનિશી સામે હારી ગઈ હતી. આ વર્ષે નેટ્સ ઈન્ટરનેશનલ ચેલેન્જ અને અબુ ધાબી માસ્ટર્સ સુપર ૧૦૦ ટાઈટલ જીતનાર વિશ્ર્વની ૩૨માં ક્રમાંકિત ભારતીય જોડીએ વિશ્ર્વ રેન્કિંગમાં ૧૫મા ક્રમે રહેલી જાપાની જોડી સામે જોરદાર સંઘર્ષ કર્યો હતો પરંતુ ૭૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં તેઓ ૧૪-૨૧, ૨૧-૧૭, ૧૫-૨૧થી હારી ગયા હતા.
સાતમી ક્રમાંકિત ભારતીય જોડીએ મેચની સારી શરૂઆત કરી હતી પરંતુ બીજી ગેમ જીત્યા બાદ આ જોડી ત્રીજી ગેમમાં ૧-૮થી પાછળ હતી પરંતુ શાનદાર વાપસી કરીને સ્કોર ૧૩-૧૫ પર લઈ ગઇ હતી. ભારતીય જોડી આ પછી ગતિ જાળવી ન શકી અને મેચ હારી ગઈ હતી.મેચની શરૂઆતમાં તનિષાના શાનદાર પ્લેસમેન્ટને કારણે ભારતીય જોડીએ ૭-૪ની સરસાઈ મેળવી હતી. ત્યાર બાદ રિન અને કેઈએ સતત ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. બ્રેકના સમયે તનિષા અને અશ્ર્વિનીની જોડી ૧૧-૮થી આગળ હતી.બીજી ગેમમાં ભારતીય જોડીએ ૬-૩ની લીડ સાથે શરૂઆત કરી હતી પરંતુ જાપાની જોડીએ વાપસી કરીને સ્કોર ૧૫-૧૭ કરી દીધો હતો. ત્યારબાદ તનિષા અને અશ્ર્વિનીએ પ્રથમ પ્રયાસમાં ચાર ગેમ પોઈન્ટ મેળવીને બીજી ગેમ જીતી લીધી હતી. નિર્ણાયક રમતમાં રિન અને કેઈએ ૮-૧ની લીડ સાથે વર્ચસ્વ જમાવ્યું હતું પરંતુ ભારતીયોએ શાનદાર વાપસી કરીને જાપાનની લીડને ૭-૯ અને પછી ૧૨-૧૪થી બે પોઈન્ટ સુધી ઘટાડી દીધી હતી. જાપાની જોડીએ ૧૭-૧૩ની લીડ લીધી હતી અને ત્યાર બાદ તનિષાએ નેટમાં બે શોટ ફટકાર્યા બાદ પાંચ ચેમ્પિયનશિપ પોઈન્ટ મેળવ્યા હતા. જાપાને આનો ફાયદો ઉઠાવ્યો અને પહેલા જ પ્રયાસમાં ટાઈટલ જીતી લીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button