નવી પેસ બોલરે આ વર્લ્ડ રેકોર્ડ સાથે ભારતને વન-ડે સિરીઝ જિતાડી આપી | મુંબઈ સમાચાર

નવી પેસ બોલરે આ વર્લ્ડ રેકોર્ડ સાથે ભારતને વન-ડે સિરીઝ જિતાડી આપી

મહિલા ટીમ ટી-20 પછી હવે વન-ડે શ્રેણીમાં પણ ચેમ્પિયન

ચેસ્ટર-લી-સ્ટ્રીટ: ઇંગ્લૅન્ડની ધરતી પર ભારતના પુરુષ ક્રિકેટરો હજી તો ટેસ્ટ સિરીઝમાં 2-2ની બરાબરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યાં ભારત (India)ની જ મહિલા ક્રિકેટરોએ ઇંગ્લૅન્ડ (England)માં ટી-20 સિરીઝ પછી હવે વન-ડે શ્રેણી પણ જીતીને નવો ઇતિહાસ સર્જ્યો છે. મંગળવારે ભારતની મહિલા ટીમે (WOMEN’S TEAM) ત્રીજી અને છેલ્લી વન-ડે મૅચ 13 રનથી જીતીને સિરીઝની ટ્રોફી પર 2-1થી કબજો કરી લીધો હતો. નવી પેસ બોલર ક્રાંતિ ગૌડે (9.5-1-52-6) આ મૅચની જ નહીં સમગ્ર સિરીઝની સુપરસ્ટાર બોલર હતી. તેણે એક વિશ્વવિક્રમ કર્યો હતો.

New female pacer leads India to ODI series win with this world record

હરમનની મૅચ-વિનિંગ સેન્ચુરી

કેપ્ટન હરમનપ્રીત કૌર (102 રન, 84 બૉલ, 14 ફોર) પ્લેયર ઑફ ધ મૅચનો તેમ જ પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતી હતી, પરંતુ કરીઅરની ચોથી જ મૅચ રમનાર ભારતની ક્રાંતિ ગૌડે (KRANTI GOUD) 6 વિકેટનો તરખાટ મચાવીને ભારતની જીત આસાન કરી દીધી હતી. મધ્યપ્રદેશની ક્રાંતિની ઉંમર 21 વર્ષ અને 345 દિવસની છે. તે આટલી નાની ઉંમરે એક વન-ડે ઇન્ટરનૅશનલ મૅચમાં 6 કે એનાથી વધુ વિકેટ લેનાર વિશ્વની પહેલી જ મહિલા બોલર બની છે. તેણે ઇંગ્લૅન્ડની જ ભૂતપૂર્વ બોલર જૉ ચેમ્બરલેઈન (1991માં બાવીસ વર્ષની ઉંમરે ડેન્માર્ક સામે 8 રનમાં 7 વિકેટ)નો 34 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.

New female pacer leads India to ODI series win with this world record

ભારતની છ બોલરમાં પાંચ સ્પિનર

ઇંગ્લૅન્ડની ટીમ ભારતની છ બોલરના આક્રમણ સામે ઝૂકી ગઈ હતી. છ બોલરમાં એકમાત્ર ક્રાંતિ પેસ બોલર હતી, જ્યારે બાકીની પાંચ સ્પિનર હતી જેમાં દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરની, રાધા યાદવ અને પ્રતિકા રાવલનો સમાવેશ હતો.

ભારતના પાંચ વિકેટે 318 રન

મંગળવારે ભારતે ટોસ જીત્યા બાદ પ્રથમ બૅટિંગ કરી હતી અને 50 ઓવરમાં પાંચ વિકેટે 318 રન કર્યા હતા જેમાં હરમનપ્રીતના 102 રન ઉપરાંત જેમાઈમા રોડ્રિગ્સના 50 રન, સ્મૃતિ મંધાનાના 45 રન, હર્લીન દેઓલના 45 રન, રિચા ઘોષના 38 રન અને ઓપનર પ્રતિકા રાવલના 26 રન સામેલ હતા.

New female pacer leads India to ODI series win with this world record

ઇંગ્લૅન્ડને વિશ્વવિક્રમ ન કરવા દીધો

યજમાન ઇંગ્લૅન્ડની મહિલા ટીમને જીતવા માટે 319 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જો તેઓ એ ટાર્ગેટ મેળવી શકી હોત તો એ મહિલા વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો હોત. જોકે નૅટ સિવર-બ્રન્ટની ટીમ 49.5 ઓવરમાં 305 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને ભારતનો 13 રનથી રોમાંચક વિજય થયો હતો.

આપણ વાંચો:  બુધવારથી ચોથી ટેસ્ટઃ શુભમન ગિલ આવી શકે બ્રેડમૅનની બરાબરીમાં…

162 રનની ભાગીદારી પાણીમાં

નૅટ સિવર-બ્રન્ટે 105 બૉલમાં 98 રન કર્યા હતા અને એમ્મા લૅમ્બ (81 બૉલમાં 68 રન) સાથે ત્રીજી વિકેટ માટે 162 રનની વિક્રમી ભાગીદારી કરી હતી, પરંતુ તેઓ ઇંગ્લૅન્ડને વિજય નહોતી અપાવી શકી. નૅટ-સિવરને તેના 98 રનના સ્કોર પર ભારતની પીઢ સ્પિનર દીપ્તિ શર્માએ આઉટ કરી હતી જેને લીધે તે 10મી સેન્ચુરી માત્ર બે રન માટે ચૂકી ગઈ હતી.

New female pacer leads India to ODI series win with this world record

સ્પિનર શ્રી ચરનીની બે વિકેટ

ભારત વતી ક્રાંતિ ગૌડની છ વિકેટ ઉપરાંત સ્પિનર શ્રી ચરનીએ બે વિકેટ અને દીપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button