
ઍડિલેઇડ: દસ દિવસ પહેલાં પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરનાર ઑસ્ટ્રેલિયન ટીમ ઍડિલેઇડમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રારંભિક ટેસ્ટમાં શરૂઆતથી જ સંપૂર્ણ પ્રભુત્વ જમાવશે એવું લાગતું હતું અને 133 રનમાં તેમની નવ વિકેટ પણ લઈ લીધી હતી, પરંતુ નવો કૅરિબિયન ઑલરાઉન્ડર શમર જોસેફ કાંગારૂ બોલરોને ભારે પડી ગયો હતો. શમરે 41 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે 36 રન બનાવ્યા હતા એટલું જ નહીં, ટીમનો સ્કોર તેને કારણે જ 133 પરથી 188 સુધી પહોંચી શક્યો હતો. પ્રવાસી ટીમ એ સ્કોર પર ઑલઆઉટ થઈ ત્યાર પછી શમર બોલિંગમાં પણ નડી ગયો હતો. પહેલા દિવસની રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ 59 રનમાં બે વિકેટ ગુમાવી હતી અને એ બંને વિકેટ શમરે લીધી હતી.
24 વર્ષનો શમર જોસેફ પેસ બોલર અને લેફ્ટ-હૅન્ડ બૅટર છે. તે ફક્ત પાંચ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 21 વિકેટ લઈ ચૂક્યો છે.
સ્ટીવ સ્મિથે ઓપનર તરીકેની કરીઅર શરૂ કરી હતી, પરંતુ પહેલા જ પ્રયાસમાં તે નિષ્ફળ ગયો હતો. તે 12 રન પર હતો ત્યારે શમર જોસેફના બૉલમાં થર્ડ સ્લિપમાં જસ્ટિન ગ્રીવ્ઝના હાથમાં કૅચઆઉટ થયો હતો. યોગાનુયોગ, શમર જોસેફનો ઇન્ટરનૅશનલ કરીઅરનો એ પહેલો જ બૉલ હતો અને એમાં તેણે પીઢ ખેલાડી સ્મિથને પૅવિલિયન ભેગો કરી દીધો હતો. જોસેફ ટેસ્ટ-ક્રિકેટમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લેનાર વિશ્ર્વનો 23મો ખેલાડી બન્યો છે.
ઉસમાન ખ્વાજા 30 રને અને કૅમેરન ગ્રીન છ રને રમી રહ્યો હતો. શમર જોસેફે માર્નસ લાબુશેન (10 રન)ને પણ કૅચઆઉટ કરાવ્યો હતો. એ અગાઉ, વેસ્ટ ઇન્ડિઝે જે 188 રન બનાવ્યા એમાં કિર્ક મૅકેન્ઝીના 50 રન હાઇએસ્ટ હતા. કૅપ્ટન પૅટ કમિન્સ અને જૉશ હૅઝલવૂડ ચાર-ચાર વિકેટ લેવામાં સફળ થયા હતા. હૅઝલવૂડે 250મી ટેસ્ટ-વિકેટ લીધી હતી.