સીપીએલની સૌથી નબળી ટીમને જોમ અપાવવા આવી ગયો વિશ્વનો સૌથી શક્તિશાળી પુરુષ!

કિંગસ્ટનઃ 2025ની સીઝનની કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)માં રૉવમૅન પોવેલના સુકાનમાં રમી રહેલી બાર્બેડોઝ રૉયલ્સ (BR) ટીમ તમામ છ ટીમમાં સૌથી નબળી હાલતમાં છે, પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી પુરુષ તરીકે ઓળખાતો માર્ક હેન્રી આ ટીમના ખેલાડીઓને મળવા આવ્યો એનાથી ખેલાડીઓને માનસિક દબાણમાંથી બહાર આવીને નવા જોમ સાથે રમવાની પ્રેરણા મળી છે.
બાર્બેડોઝ ટીમના જાણીતા ખેલાડીઓઃ
પોવેલની બાર્બેડોઝ ટીમની માલિકી આઈપીએલના રાજસ્થાન રોયલ્સ (RR)ના ફ્રેન્ચાઈઝી પાસે છે. જાણીતા ખેલાડીઓમાં વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉક, બૅટ્સમૅન બ્રેન્ડન કિંગ, ઑલરાઉન્ડર શેરફેન રુધરફર્ડ, રૅસી વૅન ડર ડુસેન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ-ઉર-રહમાનનો સમાવેશ છે.
The World’s Strongest Man just became a Royal! pic.twitter.com/XX7fc7v1lB
— Barbados Royals (@BarbadosRoyals) September 4, 2025
કોણ છે શક્તિશાળી માર્ક હેન્રી?
માર્ક હેન્રી 54 વર્ષનો છે. તે અમેરિકા વતી બે વખત ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે, પાવરલિફ્ટિંગમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન છે, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ડબ્લ્યૂડબ્લ્યૂઈ)માં પણ ભાગ લઈ ચૂક્યો છે તેમ જ ડબ્લ્યૂડબ્લ્યૂઈ હૉલ ઑફ ફેમમાં સ્થાન મેળવી ચૂક્યો છે. તે વિશ્વ સ્તરે તેમ જ વિવિધ ખંડની પાવરલિફ્ટિંગની હરીફાઈઓમાં કુલ 14 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. કાર ઊંચકવી માર્ક હેન્રી માટે સામાન્ય વાત છે. 2011ની સાલમાં અમેરિકન લશ્કરના એક મથક પર ભારેખમ ટૅન્કને ધક્કો મારીને તેણે અપ્રતિમ તાકાતનું પ્રદર્શન પણ કર્યું હતું. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર પછીના સૌથી સ્ટ્રૉન્ગ મૅન (Strogest Man) તરીકે માર્ક હેન્રીનું નામ લેવામાં આવે છે.
બાર્બેડોઝ ટીમ કફોડી હાલતમાં
બાર્બેડોઝ રૉયલ્સ ટીમ વર્તમાન સીઝનમાં છમાંથી પાંચ મૅચ હારી છે અને એને એકમાત્ર પૉઇન્ટ અનિર્ણીત રહેલી મૅચ વખતે મળ્યો છે. ડેવિડ વિસના સુકાનમાં સેન્ટ લ્યૂસિયા કિંગ્સ ટીમ અને નિકોલસ પૂરનની કૅપ્ટન્સીમાં ટ્રિન્બૅગો નાઇટ રાઇડર્સ ટીમ હાલમાં સીપીએલમાં 12-12 પૉઇન્ટ સાથે મોખરે છે.
હેન્રીનું ઇન્ડિયા કનેક્શન
ભૂતપૂર્વ સ્ટ્રૉન્ગેસ્ટ મૅન માર્ક હેન્રીએ રૉવમૅન પોવેલની ટીમની મુલાકાત લઈને ખેલાડીઓને કહ્યું, ` મેં ટીવી પર ક્રિકેટની અમુક મૅચો જોઈ છે. ખાસ કરીને હું ભારતમાં અને યુકેમાં હતો ત્યારે મેં ક્રિકેટની મૅચો ટીવી પર માણી હતી. આ મહાન રમતથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને તમને સલાહ આપું છું કે તમે આવનારા દિવસોમાં પર્ફોર્મન્સ જરૂર સુધારી શકશો.’
આ પણ વાંચો…વાઇડ બૉલમાં હિટવિકેટ! સીપીએલમાં બૅટ્સમૅન વિચિત્ર રીતે આઉટ થયો