ભારત 38 વર્ષથી દિલ્હીમાં ટેસ્ટ નથી હાર્યું, આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી મૅચ

સવારે 9.30 વાગ્યે આરંભ: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપની તક
નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે (સવારે 9:30 વાગ્યાથી) અહીં સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ભારત દિલ્હીમાં છેલ્લે નવેમ્બર 1987માં (38 વર્ષ પહેલાં) ટેસ્ટ હાર્યું હતું. ત્યાર પછી કોઈપણ દેશ ભારતને દિલ્હીમાં ટેસ્ટ મૅચમાં પરાજિત નથી કરી શક્યો. આજે શરૂ થઈ રહેલી ટેસ્ટ પણ જીતીને વેસ્ટ ઈન્ડિઝ (west Indies) સામે 2-0થી ક્લીન સ્વીપ કરવાની ભારત (India)ને તક છે.
છેલ્લો પરાજય રિચર્ડ્સની ટીમ સામે
છેલ્લે અહીં ફિરોજશા કોટલા (Kotla) ગ્રાઉન્ડ પર 1987માં ભારત જે ટેસ્ટ હાર્યું હતું એ ટેસ્ટ યોગાનુયોગ વેસ્ટ ઇન્ડીઝ સામે હતી. ત્યારે દિલીપ વેન્ગસરકર ભારતના કેપ્ટન હતા અને તેમની બીજા દાવની શાનદાર સેન્ચુરી (102 રન) છતાં ભારતનો વિવ રિચર્ડ્સની ટીમ સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. ખુદ વિવ રિચર્ડ્સે એ મૅચના બીજા દાવમાં મૅચ-વિનિંગ અણનમ 109 રન કર્યા હતા.
24માંથી 12માં જીત 12 ડ્રો
1987ના એ પરાજય બાદ દિલ્હીમાં ભારત 24 ટેસ્ટ રમ્યું છે જેમાંથી 12 મૅચમાં ભારતનો વિજય થયો છે અને 12 મૅચ ડ્રોમાં પરિણમી છે.
દિલ્હીનું ગ્રાઉન્ડ ભારત માટે ફેવરિટ
દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમનું ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત માટે ફેવરિટ છે. છેલ્લે અહીં ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ 2011માં ટેસ્ટ રમાઈ હતી જેમાં એમએસ ધોનીના સુકાનમાં ભારતે ડૅરેન સૅમીની ટીમને પાંચ વિકેટે હરાવી હતી. અત્યારે ડૅરેન સૅમી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો હેડ-કોચ છે.
જાડેજાને દિગ્ગજોની હરોળમાં આવવાનો સુવર્ણ મોકો
ભારતનો નંબર વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 10 રન કરશે એટલે ટેસ્ટ ક્રિકેટમાં તેના 4,000 રન પૂરા થશે. એ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન તેમ જ 300 વિકેટની ડબલ સિદ્ધિ મેળવનાર ઈયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વેટોરી પછીનો વિશ્વનો ચોથો ખેલાડી બનશે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઇલેવન
ભારત : ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી, રાહુલ, સુદર્શન, જાડેજા, નીતીશ રેડ્ડી, વૉશિંગ્ટન, કુલદીપ, બુમરાહ અને સિરાજ.
વેસ્ટ ઇન્ડિઝ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનારાયણ ચંદરપૉલ, જૉન કૅમ્પબેલ, અલિક ઍથાનેઝ, બ્રેન્ડન કિંગ, શાઇ હોપ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્ઝ, જૉમેલ વૉરિકેન, ખેરી પીએર, જોહાન લેન/જેડીઆ બ્લેડ્સ અને જેડન સીલ્ઝ.
આ પણ વાંચો…ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે’