આજથી જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

આજથી જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ

પ્રથમ મેચમાં કેનેડા સામે ટકરાશે ભારત

સેન્ટિયાગો (ચીલી): આજથી એફઆઇએચ (આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન) મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ભારત કેનેડા સામે જીત સાથે અભિયાનની શરૂઆત કરવા માગશે. ભારતને પુલ-સીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પુલમાં ભારત અને કેનેડા ઉપરાંત જર્મની અને બેલ્જિયમની ટીમો છે.

ટૂર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧૩માં ત્રીજા સ્થાને રહ્યું છે. ૨૦૨૨માં છેલ્લી ઇવેન્ટમાં ટીમ ચોથા સ્થાને રહી હતી. ભારતે આ વર્ષની શરૂઆતમાં જાપાનના કાકામિગાહારામાં મહિલા જુનિયર એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. ભારતનો ઉદ્દેશ્ય પ્રથમ વખત જુનિયર મહિલા વિશ્ર્વ કપ જીતવાનો છે.

ભારતીય કેપ્ટન પ્રીતિએ કહ્યું, અમે દૃઢ નિશ્ર્ચય અને ધૈર્ય સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમારી ટીમે સખત તૈયારી કરી છે. ભારતીય ટીમ આ પહેલા ત્રણ વખત કેનેડાનો સામનો કરી ચુકી છે અને દરેક વખતે જીત મેળવી છે. કોચ તુષાર ખાંડકરે કહ્યું કે ટીમ ટૂર્નામેન્ટ માટે સારી રીતે તૈયાર છે. આપણા ખેલાડીઓએ સખત તાલીમ લીધી છે અને આગામી પડકારો માટે માનસિક રીતે તૈયાર છે.

દરેક પુલમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે. કેનેડા બાદ ભારતીય ટીમ ૩૦ નવેમ્બરે જર્મની સામે ટકરાશે અને ટીમ બે ડિસેમ્બરે બેલ્જિયમ સામે રમશે. ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ અનુક્રમે છ, આઠ અને ૧૦ ડિસેમ્બરે યોજાશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button